RTI દ્વારા રાજપરિવારને કરોડોનો વારસાગત મહેલ મળ્યો

0
24
Share
Share

લખનૌ, તા. ૨૨

ફક્ત ૧૦ રુપિયા ખર્ચીને કરોડોની સંપત્તિ મળવી એક સ્વપ્ન કે પછી આઠમી અજાયબી બરાબર છે. તમને પણ આ સાંભળીને પહેલા તો માનવામાં નહીં આવે કે કઈ રીતે ૧૦ રુપિયા તમને કરોડોપતિ બનાવી શકે છે. આ તાકાત છે સામાન્ય વ્યક્તિ માટે બનાવવામાં આવેલા દેશના આરટીઆઈ એક્ટની, આ સાંભળીને તમે ચોકી તો ગયા જ હશો. વાત જાણે કે એમ છે કે લગભગ ૩૬ વર્ષથી પોતાના વારસાગત મહેલના માલિકી હક્ક માટે અહીં-તહીં ભટકતા ઓયલ રજવાડાના રાજપરિવારના સભ્યોને ત્યારે સુખદ આનંદનો ઝટકો મળ્યો જ્યારે આરટીઆઈ એક્ટ હેઠળ ફક્ત ૧૦ રુપિયા ખર્ચ કરીને કરવામાં આવેલ અરજીએ તેમને એક મહિનાની અંદર જવાબ મેળવી દીધો અને તેઓ આટલા મામૂલી ખર્ચમાં કરોડોની મિલકતના માલિક બની ગયા.

ઉત્તર પ્રદેશમાં આવેલ ખીરી એક ખૂબ મોટું રજવાડું હતું. જેનું નામ ઓયલ રાજ્ય હતું. ઓયલ રજવાડાના મોટા રાજા વિષ્ણુ નારાયણ દત્ત સિંહ અને કુંવર હરિ નારાયણ સિંહ એ સમયે ખુશીના માર્યા ઝુમવા લાગ્યા જ્યારે એક ૧૦ રુપિયાની અરજીએ તેમની કરોડો રુપિયાની સંપત્તિને તેમને ફરી અપાવી છે. તેમણે જણાવ્યું કે વર્ષ ૧૯૨૮માં ખીરીની ઓયલ રિયાસતના તત્કાલીન રાજા યુવરાજ દત્તે પોતાના મહેલને ત્રીસ વર્ષ માટે ડે. કલેક્ટરને ૧૦૧ રુપિયા પ્રતિ મહિના માટે ભાડે આપી દીધો હતો. જોકે પછી દેશ આઝાદ થયો અને આ ભાડા પટ્ટો બીજા ત્રીસ વર્ષ માટે વધારી દેવામાં આવ્યો. જેમા એક શરત ઉમેરવામાં આવી હતી કે રાજ પરિવાર ઇચ્છે તો ૧૦૧ રુપિયાની જગ્યાએ આ જગ્યા માટે ડે. કલેક્ટરના પગારના દસ ટકા રકમ ભાડા તરીકે મેળવી શકે છે.

રાજા વિષ્ણુ નારાયણ દત્ત સિંહે જણાવ્યું કે અચાનક યુવરાજ દત્તનું વર્ષ ૧૯૮૪માં મોત થઈ ગયું. જે બાદથી જ પરિવારા આ મહેલને પરત મેળવવા માટે આમથી તેમ દોડાદોડી કરી રહ્યો હતો. કારણ કે મહેલની માલિકી હક્ક દર્શાવતો અભિલેખ ખૂબ શોધવા છતા મળતો નહોતો. બધા જ લોકો પોતાનાથી જે બની શકતું હતું તે કરીને શોધવામાં લાગ્યા હતા. તેવામાં પરિવારની મુલાકાત આરટીઆઈ કાર્યકર્તા સિદ્ધાર્થ નારાયણ સાથે થઈ. પછી શું માત્ર ૧૦ રુપિયામાં આરટીઆઈ થઈ અને તેણે રિઝલ્ટ આપી દીધું. જે ૩૬ વર્ષની દોડાદોડીથી ન થયું તે આરટીઆઈથી થઈ ગયું.

આરટીઆઈ કાર્યકર્તા સિદ્ધાર્થ નારાયણે રાજ પરિવારની મદદ કરતા ૧૦ રુપિયાના અરજી પત્ર પર ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ચાર અરજી જિલ્લાધિકારી કાર્યાલય ખીરી, મંડલાયુક્ત કાર્યાલય, નાણા અને રાજસ્વ વિભાગને પાર્ટી બનાવીને દાખલ કરી અને મહેલના મૂળ અભિલેખો અંગે જોડાયેલી માહિતી માગી હતી.

આ તમામ અરજીઓને જિલ્લાધિકારી કાર્યાલય મોકલી દેવામાં આવી હતી. ૨૭ માર્ચ, ૨૦૨૦ના રોજ લેખિત નોટિસ મળી હતી કે મૂળ રેકોર્ડ્‌સ સીતાપુરની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં હોઈ શકે છે. કારણ આપવામાં આવ્યું હતું કે આઝાદી પહેલા લખીમપુર ખીરીના રેકોર્ડ્‌સ સીતાપુરમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આરટીઆઈ સબ નિબંધકની ઓફિસ સીતાપુરમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને મહેલની માલિકીના મૂળ રેકોર્ડ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ મળ્યા હતા.

આરટીઆઈ ફીના માત્ર ૧૦ રૂપિયા ખર્ચ કરીને રાજ પરિવારનાં વારસદારોને ૯૩ વર્ષ જૂની માલિકીના તમામ રેકોર્ડ મળ્યા હતા. આ રેકોર્ડમાં એકાઉન્ટ નંબર-૫ છે અને મૂળ ખસરા નંબર ૩૫૯ છે. હાલ આ પૈતૃક મહેલની બજાર કિંમત લગભગ ૫૦ કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે.

ઓયલ રાજપરિવારના વિષ્ણુ નારાયણ સિંહ, કુંવર પ્રદ્યુમ્ન નારાયણ સિંહ અને હરિ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, અમને ૧૯૮૮થી ભાડું મળ્યું નથી, પરંતુ રેકોર્ડ અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારા પૂર્વજોનો વારસો માત્ર કાગળના અભાવને કારણે આમારાથી ઘણો દૂર હોય તેવું લાગતું હતું. જોકે હવે રેકોર્ડ મળી ગયા છે અને અમારો વારસો અને પાછો મળી ગયો છે. ત્યારે હવે બાકી રહેતું ભાડું લેવું કે ન લેવું તે અમે પરિવારમાં બેસીને નિર્ણય લઈશું. વારસાની સંપત્તિ મેળવવાની આ લડાઈમાં લખીમપુરના ડીએમ શૈલેન્દ્ર કુમારે અમને ઘણો સહકાર આપ્યો હતો. ડીએમને મહેલને વધુ સારી રીતે જાળવવા અને પર્યાવરણની દ્રષ્ટીએ મહેલને હર્યોભર્યો રાખવા અપીલ કરી હતી. આરટીઆઈ કાર્યકર્તા સિદ્ધાર્થ નારાયણ સિંહે કહ્યું કે, જો અમે કોર્ટમાં ગયા હોત તો વર્ષો લાગી જાત, પરંતુ માત્ર ૧૦ રુપિયાના ખર્ચે દસ જ મહિનામાં મહેલના કાગળો મળી ગયા આ છે આરટીઆઈના તાકાત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here