મારી વહુની સરકારી નોકરી રદ્દ કરોઃ હાઇકોર્ટે સાસુને ૧૦ હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ,તા.૨૯

સાસુ-વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. પુત્રવધૂને સરકારી નોકરી મળતા સાસુએ તેની નિમણૂક રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે જસ્ટિસ એ. એસ. સુપૈયાએ સાસુની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, અંગત પ્રકારનું વેર રાખીને આ અરજી કરવામાં આવી છે. કોર્ટે આકરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અરજદાર સાસુની પુત્રવધૂએ છૂટાછેડા લેવા માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. હાઈકોર્ટે સાસુને આ અરજી કરવા બદલ ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

રાજ્ય સરકારના રેવન્યુ વિભાગમાં પુત્રવધૂની કરાયેલી નિમણૂક રદ કરવા સામે તેની સાસુએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન જસ્ટિસ એ. એસ. સુપૈયાએ એવી ટકોર કરી હતી કે, આ પહેલા ક્યારેય આ પ્રકારની અરજી જોઈ કે સાંભળી નથી. આ ખરેખર અદભુત કેસ છે. તમારા વેરઝેરને કારણે હાઈકોર્ટનો કીમતી સમય બગડી રહ્યો છે. આ પ્રકારની અર્થહીન અરજી કરવા બદલ કોર્ટના ૧૦ વ્યકિતનો સ્ટાફ કામે લાગે છે. તમને સમયની કિંમત કંઈ સમજાય છે? નવાઈ એ વાતની લાગે છે કે વકીલે અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું છે.

પુત્રવધૂએ વર્ષ-૨૦૧૫માં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી, જોકે આ અરજી હજુ પડતર છે. આ હકીકત જાણીને કોર્ટે સાસુ તરફે વકીલનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું કે, તમારા અંગત વેરઝેરને કારણે કરેલી અરજી હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. જ્યારે સાસુ તરફથી એવી દલીલ કરાઈ હતી કે, તેની પુત્રવધૂએ નોકરી માટે ભરેલા ફોર્મમાં ખોટી વિગતો ભરી છે અને સરકારને પોતે કુંવારી હોવાનું દર્શાવ્યું છે. તેણે જીપીએસસીના નિયમોનો ભંગ કર્યો છે. આથી અમે તેની નિમણૂક રદ કરવા અરજી કરી છે. હાઈકોર્ટે ૧૦ હજારનો દંડ વસૂલવા માટે રજિસ્ટ્રીને આદેશ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449