મહેસાણામાં મોબાઇલ ફાટતા કિશોરીનું મોત

મોબાઈલને ચાર્જિંગમાં રાખીને વાત કરનારા માટે ચેતવણી સમાન કિસ્સો, ફોન ઉપયોગમાં તકેદારી જરુરી

મહેસાણા,તા.૨૯

મોબાઈલ ફોન આજકાલ જરૂરિયાત બની ગઈ છે. એક સમય હતો કે માતાપિતા નાના બાળકોને મોબાઇલ આપતા ન હતા, પરંતુ હવે અભ્યાસ સહિતની પ્રવૃત્તિએ મોબાઇલ પર જ થતી હોવાથી બાળકોને મોબાઇલ આપ્યે છૂટકો નથી. મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ખિસ્સામાં મોબાઇલ ફાટ્યો હોય તેવા બનાવો પણ બનતા રહે છે. મહેસાણામાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ફોન પર વાતો કરતી વખતે બ્લાસ્ટ થતાં એક કિશોરીનું મોત થયાનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ ખાતે બુધવારે આ બનાવ બન્યો હતો. જેમાં એક કિશોરી મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સવારે બનેલા આ બનાવથી કિશોરીને પરિવાર હેબતાઈ ગયો હતો. પરિવાર જ નહીં પરંતુ આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બનાવની વિગતે વાત કરીએ તો છેટાસણા ગામના શંભુભાઇ પ્રભાતભાઇ દેસાઇની દીકરી શ્રદ્ધા સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરના ઉપરના માળે મોબાઇલ પર વાત કરી રહી હતી. મોબાઈલની બેટરી લો હોવાથી શ્રદ્ધા ફોનને ચાર્જિંગમાં રાખીને વાત કરી રહી હતી. આ દરમિયાન કોઈ કારણે મોબાઇલમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. મોબાઇલમાં ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકો અને ઘરના સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. પરિવારે રૂમમાં જોયું તો મોબાઈલમાં ધડાકાને કારણે દીકરીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ મામલે ગામના તલાટી સહિતના લોકોને જાણ કરવામાં આવી હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી તેમાં ઘાસ ભર્યું હોવાથી તે પણ સળગી ગયું હતું. જે બાદ પાણીનો મારો ચલાવીને આગને બૂઝાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449