પવનની ગતિ ધીમી થયા બાદ રોપ વે સેવા ફરી શરૂ કરાશે

બુધવારે પણ શ્રદ્ધાળુઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે પવન હોવાનું નોંધાયું હતું      

જુનાગઢ,તા.૨૯

ભારે વરસાદ અને પવનના કારણે ગિરનાર રોપ વે સેવા બે દિવસથી બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અહીં ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી ભારે પવનના કારણે રોપ વે બંધ રખાયા બાદ મંગળવારે ફરી ગિરનાર પર ૮૦થી ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું શરુ થતાં સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. બુધવારે પણ શ્રદ્ધાળુઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે પવન હોવાનું નોંધાયું હતું. તેથી, બુધવારે પણ રોપ વે સેવા શરુ કરવામાં આવી નહોતી. જેના કારણે ત્યાં ભગવાનના દર્શનાર્થે આવેલા અને રોપ વેમાં બેસવા ઈચ્છતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી. જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસના જંગલ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. બે દિવસ પહેલા ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદની સાથે-સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. આ અંગે રોપ વેનું સંચાલન કરતી કંપનીના અધિકારી દિપક કપલીશે જણાવ્યું હતું કે, મંગળવારે સેવા બંધ રખાયા બાદ બુધવારે પણ શરુ કરતાં પહેલા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પવનની વધુ ગતિ નોંધાઈ હતી. છેલ્લા બે દિવસથી ગિરનાર પર છવાયેલા વરસાદી માહોલ સાથે ૮૦થી ૯૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેથી જ મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રખાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449