ચીખલી પો.સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના મોત મામલે પોલીસકર્મી સામે હત્યાનો ગુનો દાખલ

ચીખલી,તા.૨૮

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે શકમંદ આરોપીના થયેલા શંકાસ્પદ મોત મામલે અંતે પોલીસ દ્વારા બે પોલીસ અધિકારીઓ સહિત કુલ ચાર પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. બાઈકચોરીના ગુનામાં શકમંદ આરોપી તરીકે લવાયેલા બે યુવાનના પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. આ ઘટના બાદ ભાજપ-કૉંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓએ ન્યાયિક તપાસની માગ કરી હતી. એ બાદ આજે પોલીસ દ્વારા ચાર પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રહેવાસી રવિ જાદવ અને સુનીલ પવાર નામના યુવકોને બાઈકચોરીના શંકાસ્પદ આરોપી તરીકે પોલીસ ૧૯મી તારીખે ચીખલી પોલીસ સ્ટેશનમાં લાવી હતી. પોલીસે બંને શકમંદ આરોપીઓને પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. ૨૧મી તારીખે સવારના સમયે કમ્પ્યુટર રૂમના પંખામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં બંને યુવકના મૃતદેહ મળ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત થતાં પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો તથા આગેવાનો પરિવારજનોની વહારે આવ્યા હતા. સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે ડાંગ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આજે પણ ડાંગ ભાજપના ધારાસભ્ય અને અન્ય રાજકીય આગેવાનોએ મૃતકનાં પરિવારજનોને સાથે રાખી પોલીસ સાથે બેઠક યોજી હતી, જેમાં પરિવાર દ્વારા તેઓ તરફથી આપવામાં આવેલી અરજીને જ ફરિયાદ ગણી કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. પોલીસે પણ કાર્યવાહીની ખાતરી આપી હતી. બાદમાં હાલ ચાર પોલીસકર્મી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449