યુવકની અટકાયત બાદ તે ચાલુ ગાડીમાંથી કૂદી ગયોઃ પોલીસ

વેસુ રોડ પર પોલીસે યુવકને માર માર્યાનો પોલીસનો આક્ષેપ

સુરત,તા.૨૮

સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર મિત્રો સાથે કોફી પીવા ગયેલા યુવકને ઉમરા પોલીસે ડિટેઈન કરીમાર મારીને મરણ પથારીએ પહોંચાડી દીધાનો આક્ષેપ યુવકના પરિવારના લોકોએ કર્યો છે. બીજી તરફ પોલીસના કહેવા મુજબ યુવાનની અટકાયત બાદ તે ચાલુ ગાડીમાંથી નીચે કૂદી ગયો હતો. સુરતના વરીયાવી બજાર પાલીયા ગ્રાઉન્ડ નજીક ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય સમીર કામિલ અંસારી નામનો યુવાન હાલ સુરતના ઉધના દરવાજા વિસ્તારની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં માથાના ઓપરેશન બાદ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. સમીર અંસારીના પરિવારોના આક્ષેપ છે કે તેની આ હાલત ઉમરા પોલીસના પોલીસકર્મીઓ નિતેશ અને ધનસુખના માર મારવાથી થઈ છે.

૨૨ વર્ષીય યુવાન સમીર ગત ગુરૂવારના રોજ પોતાના મિત્રો સાથે વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક કૉફી શોપમાં કૉફી પીવા ગયો હતો. તે દરમિયાન કૉફી શોપની બહાર ટ્રાફિકજામ હોય ઉમરા પોલીસના પોલીસકર્મી નિતેશ અને ધનસુખ પોલીસ વાહન સાથે ત્યાં પહોંચ્યા હતા. પોલીસે ત્યાં ઉભેલા તમામ યુવાઓ સાથે ગાળાગાળી કરી ભયનો માહોલ ઊભો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન કૉફી શોપમાંથી બહાર નીકળી રહેલા સમીર અન્સારી તેમના હાથે ચડી જતા પોલીસે તેની સાથે ગાળાગાળી કરી તેને પોલીસવાનમાં બેસાડી દીધી હતો.

દરમિયાન તેના મિત્રો પણ ત્યાંથી નાસીપાસ થઇ ગયા હતા. અડધા કલાક પછી સમીરના મોબાઈલ પર ફોન કરતા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, સમીર ચાલુ વાનમાંથી નીચે કૂદી જતા ઘવાયો છે. તેને સિવિલ હૉસ્પિટલ લઈ જઈએ છીએ. બીજી તરફ સમીરના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે સમીરને માર માર્યો છે. સમીરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તે બેભાન હાલતમાં હતો. હાલ તે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449