જુનાગઢ જિલ્લા જેલનો એક કોરોના પોઝિટિવ કેદી બારીના સળિયા તોડી નાઠયો

જુનાગઢ તા. ૧૮

 જૂનાગઢ જિલ્લા જેલમાં રહેતા એક કાચા કામના કેદીને કોરોના પોઝિટિવ આવતા ઓપન જેલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ હતો, ત્યારે આ કાચા કામનો કેદી બેરકના બારીના સળિયા તોડી નાસી જતા ચકચાર મચી જવા પામી છે.

        જૂનાગઢ જિલ્લા જેલનો કાચા કામનો કેદી અને જૂનાગઢના ડુંગરપુર ગામનો વતની એવો સલીમ ઉર્ફે સુલતાન બહાદુરભાઈ  કોરોના પોઝિટિવ આવતા ઓપન જેલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ હતો, ત્યારે આ કાચા કામનો કેદી બારીના સળિયા તોડી  નાસી જતા. આ અંગે જૂનાગઢ જિલ્લા જેલના એફ.એમ. મલેકે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જેલમાંથી નાસી છુટેલા કેદીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

 સાધુઓ બાખડયા

    જૂનાગઢના ભવનાથ માં એક સાધુ કુદરતી હાજતે જતા એક અન્ય સાધુએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

       જુનાગઢના જૂના અખાડાની જગ્યામાં બાબુ ગિરી ગુરુ શ્રી દિગંબર જયદેવ ગીરી મહારાજ (ઉ.વ. ૬૮) નાવા, ધોવા તથા કુદરતી હાજતે ગયેલા હતા એ દરમિયાન સહજાનંદ સરસ્વતી ગુરુ અખંડનંદ ત્યાં આવેલા અને કહેલું કે હવેથી તું અહીં આવતો નહીં પરંતુ ફરિયાદી બાબુ ગિરી એ જણાવેલ કે હું પણ અખાડાના સાધુ છું અને મારો અહીં આવવાનો અધિકાર છે તેમ કહેતાં સહજાનંદ સરસ્વતી ગુરુ અખંડાનંદ ઉશ્કેરાઇ ગયા હતા અને ઢીકાપાટુનો તથા લાકડીનો માર મારી જયદેવ ગીરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ  સાધુઓની તકરારનો મામલો ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

વાડીમાંથી રુ. ૧.૧૭ લાખના તલની ચોરી

 વિસાવદર તાલુકાના મોટા મોણપરી ગામની વાળી વિસ્તારમાંથી રુ. ૧.૧૭ લાખના ૩૯ બાચકાની ચોરી થયાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

         વિસાવદર તાલુકાના મોટા મોણપરી ગામે રહેતા શામજીભાઈ હરજીભાઈ ઝાલાવાડીયાની વાડીના મકાનના દરવાજાનો નકૂચો તોડી, કોઈ અજાણ્યો ઇસમ મકાનમાં રાખેલ તલના ભરેલા રુપિયા ૧.૧૭ લાખના ૭૮ મણ ભરેલ ૩૯ બાચકા ચોરી ગયાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449