અન્ય રાજ્યો મ.પ્રદેશમાં નસબંધીની સર્જરી બાદ મહિલાઓ જમીન પર સૂવા માટે મજબૂર
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
ભોપાલ,તા.૧
મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં જીવન સાથે રમત કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં નસબંધીની સર્જરી બાદ દર્દીઓને જમીન પર સુવાની ફરજ પાડવામાં આવી હતી. જે મહિલાઓનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, તેઓને ઓપરેશન બાદ હોસ્પિટલમાં પથારી પણ નહોતી મળી. જેના કારણે મહિલા દર્દીઓ પથારીને બદલે જમીન પર સુવા મજબૂર બની હતી.
આ મામલો અહીં સમાપ્ત થયો ન હતો, નસબંધી માટે આવેલી મહિલાઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ નહોતી. તે પોતાના ખર્ચે હોસ્પિટલમાં પહોંચી હતી. એટલું જ નહીં, દર્દીઓને સારવાર બાદ સ્ટ્રેચર પણ મળ્યા ન હોતા, જેના કારણે પરિવારનાં સભ્યોએ તેમને હાથમાં લઈ બહાર ચાલ્યા ગયા હતા. આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી છતરપુર અને વિદિશામાં જોવા મળી છે. છતરપુરની સરકારી હોસ્પિટલમાં તેમની નસબંધીની સર્જરી બાદ દર્દીઓને જમીન પર સૂવા માટે ગાંદલાઓ બીછાવ્યા હતા.
નસબંધી પછી, મહિલાઓને જમીન પર સૂવાથી ચેપનું જોખમ પણ હતું. આ અંગે સિવિલ સર્જન આર ત્રિપાઠીને પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે, ‘દરરોજ નસબંધીનાં લગભગ ૩૦ કેસ છે. પલંગની સુવિધાઓ પૂરી પાડવા માટે, અમને વધુ સારી માળખાગત સુવિધાઓની જરૂરિયાત છે. ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ.કે.એસ.આહિરવારે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.