અમદાવાદ મેઘરાજાએ ગણેશજીની મૂર્તિઓનું કામ બગાડ્યું, મૂર્તિકારો ચિંતિત
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
અમદાવાદ,તા.૧૨
અમદાવાદ સહિત રાજ્યભરમાં ભેજવાળું વાતાવરણ, વરસાદ અને કેટલાક જિલ્લાઓમાં આવેલા પૂર પછી વરસાદના વાતાવરણના પગલે ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરોને ભારે નુકશાન થયું છે. ૨જી સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણેશ ઉત્સવ માટે હજુ હજારોની સંખ્યામાં મૂર્તીઓની કામગીરી અધૂરી હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદ અને ભેજના પગલે મોટાભાગની તૈયાર થયેલી મૂર્તિઓમાં હજુ કલર કામ પણ શરૂ કરી શકાયું નથી.
મૂર્તીકાર આર્ટ ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યાં અનુસાર મૂર્તિ બનાવવા માટેનો ૧૦ દિવસ જેટલો સમય વરસાદના કારણે વેડફાય ગયો છે. જ્યારે શહેરમાં પડેલા વરસાદથી કેટલાક વર્કશોપમાં પાણી ભરાઇ ગયા છે. જેના પગલે મૂર્તીની કોઇ કામગીરી થઈ શકી નથી.
વરસાદના કારણે મૂર્તિમાં કલર કામ પણ કરી શકાયું નથી. શહેરમાં ૮૦૦ થી વધારે મોટી મૂર્તીઓની કામગીરી અધૂરી છે, જેને પૂરી કરવા માટે દિવસ રાત કામ કરવું પડશે. હવે કોઇપણ નવી મૂર્તિ બનાવાનો ઓર્ડર લેવાઇ રહ્યો નથી. જ્યારે બીજી તરફ કામ થયું ના હોવા છતાં કારીગરોને પગાર ચૂકવો પડયો છે જેના કારણે મૂર્તીકારોને આર્થિક નુકશાન થયું છે.
અમદાવાદમાં પડી રહેલા વરસાદના કારણે મૂર્તિઓ બનાવવામાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. વરસાદમાં પલળી ગયેલી મૂર્તિઓમાં સૂકાયા બાદ કલર કરી શકાય તેમ મૂર્તિ બનાવનાર કારીગરોનું કહેવું છે. આમ વરસાદના કારણે સમય બગડતાં ગણપતિની નવી મૂર્તિ બનાવવા માટે ઓર્ડર લેવાઇ રહ્યાં નથી.