અન્ય રાજ્યો હવે નહી સુધરો તો જેલભેગા કરવામાં આવશે, યોગીની પોલીસ અધિકારીઓને ફટકાર
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
લખનૌ તા. ૧૧
ઉત્તર પ્રદેશમાં વિખરી રહેલી કાયદા-વ્યવસ્થા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓની ઉધેડી લીધી છે. રશિયા જતા પહેલા સીએમ યોગીએ લખનૌથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેમની આડે હાથે લીધા હતા. રાજ્યના કેટલાક શહેરોના પોલીસ વડાઓ પ્રત્યે વીડિયો કોન્ફરન્સમાં તેમણે ભારે આક્રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન સીએમ યોગી પ્રયાગરાજ અને નોઇડા પોલીસની કાર્યશૈલી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં જ કુશીનગરના ઇન્સ્પેક્ટરની ખાનગી ગાડીમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો જેના પર યોગીએ ગુસ્સો વ્યક્ત કરતા સખત કાર્યવાહીની ચેતવણી આપી હતી. રાજ્યમાં બગડી રહેલી કાયદા વ્યવસ્થા મામલે મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, તમે હવે નહી સુધરો તો જેલભેગા કરવામાં આવશે. બેઠક દરમિયાન યોગીએ આદેશ કર્યો હતો કે, ન સુધરતા અધિકારીઓને સસ્પેન્ડ કરી સખત કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી દાખવતા કાર્યવાહીને ઇસીઆર સાથે જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિતેલા ટૂંકા સમયમાં જ ઉત્તર પ્રદેશમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જેને રાષ્ટ્રીય સ્તરે વખોડવામાં આવી હતી. તાજેતરમાં જ બનેલી સોનભદ્ર હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો, આ મામલામાં માત્ર જમીન માટે ૧૦ ગ્રામીણ લોકોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પહેલા પણ રાજકીય હત્યાઓના બનાવો બન્યા હતા. રેપના મામલાઓ પણ ઉત્તર પ્રદેશ પહેલા સ્થાને છે. જો કે યોગી સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે, રાજ્યમાં કાયદા વ્યવસ્થાને સખત બનાવવામાં આવે, જેથી ગુનાઓ પર અંકુશ મેળવી શકાય.