ખેલ-જગત ક્રિકેટ વર્લ્ડ કપ: અમ્પ્યાર કુમાર ધર્મસેનાએ પોતાની ભૂલ માની કહ્યું- ‘ઈંગ્લેન્ડને 6 રન આપવા ભૂલ હતી, પરંતુ અફસોસ નથી
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
તા.22
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના એક અઠવાડિયા બાદ અમ્પ્યાર કુમાર ધર્મસેનાએ પોતાની ભૂલ માની અને કહ્યું કે ઈંગ્લેન્ડને ઓવરથ્રો પર 6 નહીં, 5 રન જ મળવા જોઈતા હતા. શ્રીલંકાના ધર્મસેનાએ કહ્યું કે, ‘ઈંગ્લેન્ડને 6 રન આપવા ભૂલ હતી. પરંતુ પસતાવો કરવા જેવી કોઈ વાત નથી. આપણે એવું નથી કહી શકતા એ બોલ પર 5 રન આપતા તો મેચનું પરિણામ બદલાઈ જ ગયું હોત.’
ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 3 બોલમાં 9 રનની જરૂર હતી. ત્યારે ગુપ્ટિલનો થ્રો બેન સ્ટોક્સના બેટ પર વાગી બાઉન્ડ્રી પાર ગયું હતું. ઈંગ્લેન્ડને આ સમયે 6 રન મળ્યા હતા. 2 ભાગીને અને બાઉન્ડ્રીના 4 રન. જેના કારણે વિવાદ થયો હતો. પૂર્વ અમ્પાયર ટૉફેલે કહ્યું હતું કે, ' તે બોલ પર દોડવાના 2 નહીં પણ 1 રન જ આપવાની જરૂર હતી, કારણ કે થ્રો સમયે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કર્યા નહોતા.’
ધર્મસેનાએ કહ્યું કે, ‘ ટીવી રીપ્લે જોઈ કોમેન્ટ કરવી સરળ હોય છે, પરંતુ મેદાન પર અમારે અમુક સેકન્ડમાં જ નિર્ણય કરવો પડે છે. પછી રીપ્લે જોઈ મને ભૂલ સમજાઈ. પરંતુ ઓન ફિલ્ડ નિર્ણય પર પસ્તાવો કરવાની કોઈ જરૂર હોતી નથી. તે નિર્ણયમાં કોઈ ખેલાડીને આઉટ આપવાની ઘટના સામેલ નહોતી, તેથી અમે થર્ડ અમ્પાયરની મદદ પણ નહોતા લઈ શકતા. તેથી મે લેગ અમ્પાયર સાથે વાત કરી અને અમને જે યોગ્ય લાગ્યું તે કર્યું.