IPLના ઈતિહાસમાં પ્રથમવાર ચેન્નાઈ સુપર ૧૦ વિકેટે હારી

0
28
Share
Share

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરને ૧૦ વિકેટે હરાવ્યું, ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ, ટ્રેન્ટ બોલ્ટની ઝંઝાવાતી બોલિંગ

દુબઈ,તા.૨૪

ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહની ઝંઝાવાતી બોલિંગ બાદ ઈશાન કિશનની વિસ્ફોટક અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦ વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં કંગાળ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈના પ્રદર્શનમાં સહેજ પણ સુધારો જોવા મળ્યો ન હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ધોનીસેનાએ મુંબઈ સામે ૧૧૫ રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો. જેને મુંબઈએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાર પાડ્યો હતો. મુંબઈએ ૧૧.૨ ઓવરમાં ૧૧૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ઈશાન કિશને ૬૮ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ પરાજય સાથે જ ચેન્નઈની પ્લેઓફમાં પહોંચાવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચેન્નઈએ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૧૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ વિજય સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને ૧૦ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈનું અત્યાર સુધીનું આ સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત કોઈ ટીમ સામે ૧૦ વિકેટે હાર્યું છે. અગાઉ વિકેટની દ્રષ્ટીએ તેનો સૌથી મોટો પરાજય મુંબઈ ઈન્ડિયન્સ સામે જ નોંધાયો હતો. ૨૦૦૮ની આઈપીએલમાં ચેન્નઈને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૯ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૧૧૫ રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ક્વિન્ટ ડીકોક અને ઈશાન કિશનની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્‌સમેનોએ ચેન્નઈના બોલર્સને એક પણ તક આપી ન હતી. તેમાં પણ ઈશાન કિશને તોફાની બેટિંગ કરી હતી. આ જોડીએ ચેન્નઈને એક પણ સફળતા હાંસલ કરવા દીધી ન હતી. ઈશાન કિશન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને ડીકોકે તેને વધુમાં વધુ સ્ટ્રાઈક આપી હતી. ઈશાન કિશને ૩૭ બોલમાં ૬૮ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. જ્યારે ડીકોક ૩૭ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૬ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. અગાઉ ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગ સામે ચેન્નઈ સુપર કિંગ્સ ઘૂંટણીયે પડી જતા મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૧૫ રનનો આસાન લક્ષ્યાંક આવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં આજે શારજાહમાં રમાઈ રહેલી મેચમાં મુંબઈએ ટોસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં કંગાળ પ્રદર્શન કરનારી ચેન્નઈની બેટિંગ ઘણી નિરાશાજનક રહી હતી. જોકે, સેમ કરનની મહત્વની બેટિંગની મદદથી ચેન્નઈ સન્માનજનક સ્કોર નોંધાવી શકી હતી. ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૧૧૪ રન નોંધાવ્યા હતા. સેમ કરને ૫૨ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નઈ માટે ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડી મેદાનમાં આવી હતી. પરંતુ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહના તરખાટ સામે આ જોડી ટકી શકી ન હતી. ચેન્નઈએ ત્રણ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તેનો ધબડકો આટલેથી અટક્યો ન હતો અને ૪૩ રનમાં તો ટીમની સાત વિકેટ પડી ગઈ હતી. ગાયકવાડ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે ડુપ્લેસિસ એક અને અંબાતી રાયડૂ બે રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જગદીશન પણ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો હતો. ચેન્નઈ માટે એકમાત્ર સેમ કરને મુંબઈના બોલર્સ સામે પડકાર રજૂ કર્યો હતો. સેમ કરને ૪૭ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૨ રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૬ બોલમાં ૧૬ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત શાર્દૂલ ઠાકુરે ૧૧ અને ઈમરાન તાહિરે અણનમ ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં ૧૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ અને રાહુલ ચાહરે બે-બે તથા નાથન કોલ્ટર-નાઈલને એક સફળતા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here