લોકસભામાં કેરળ કોંગ્રેસ સાંસદના સવાલના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે સમય વિસ્તારનો ખુલાસો કર્યો
નવી દિલ્હી, તા.૩
કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA), ૨૦૧૯ને કાર્યાન્વયનમાં ૬ મહિના કે તેનાથી વધુ સમય લાગશે. આ ઉપરાંત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનને સમગ્ર દેશમાં રોલ-આઉટ પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. ગૃહ મંત્રાલય, જે CAAના કાર્યાન્વયન માટે નિયમોને તૈયાર કરી રહ્યું છે, તેણે લોકસભા કાયદા સમિતિ પાસેથી એપ્રિલ અને રાજ્યસભા સમિતિથી જુલાઈ સુધીનો સમય માંગ્યો છે. લોકસભામાં કેરળના કોંગ્રેસ સાંસદ વીકે શ્રીકંદનના એક સવાલના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સમય વિસ્તારનો ખુલાસો કર્યો. રાયે કહ્યું કે, અધીનસ્થ કાયદો, લોકસભા અને રાજ્યસભાની સમિતિએ CAA નિયમોને લાગુ કરવા માટે ક્રમશઃ ૦૯.૦૪.૨૦૨૧ અને ૦૯.૦૭.૨૦૨૧ સુધીનો સમય આપ્યો છે. એએનઆઇના રિપોર્ટ મુજબ, કોરોના વાયરસ મહામારીના કારણે એનપીઆરની વસ્તીગણતરી અને અપડેશનનું પહેલું ચરણ પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ત્રીજી વાર છે જ્યારે ગૃહ મંત્રાલયે CAAના નિયમોને ફ્રેમ કરવા માટે વધુ સમય માંગ્યો છે. અધિકારીઓ અનુસાર પહેલો વિસ્તાર જુલાઈમાં અને બીજો ઓક્ટોબરમાં માંગવામાં આવ્યો હતો. સંસદીય પ્રક્રિયાઓ અનુસાર, સંબંધિત મંત્રાલયને પોતાના પ્રભાવી કાર્યાન્વયન માટે બિલ બનાવવાની ૬ મહિનાની અંદર નિયમોને લાગુ કરવાના રહેશે.ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૯માં નાગરિકતા સંશોધન કાયદો પાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હીના શાહીન બાગમાં તેને લઈને લાંબું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.