૯ જિલ્લાઓમાંથી ૧૧૦ કરતાં વધુ મૃત પક્ષીઓના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા

0
21
Share
Share

ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં કોરોના ધીમો પડ્યો છે. આ દરમિયાન બર્ડ ફ્લુનો ખતરો ધીરે ધીરે વધી રહ્યો છે. રાજ્યના ચીફ ચીફ સેક્રેટરી અનિલ મુકિમે મંગળવારે મોડી સાંજે વિડિયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેક્ટરોને બર્ડ ફ્લૂના ચેપનો ફેલાવો અટકાવવા અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સને સઘન બનાવવા ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ચૂસ્ત અમલ કરવા આદેશ આપ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ જિલ્લાઓના ૩૫ સ્થળો પરથી ૧૧૧ મૃત પક્ષીઓના સેમ્પલ આરટી-પીસીઆર ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં એવીયન ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ- બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો છે. ભોપાલ ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટયુટ ફોર હાઈ સિક્યુરિટી એનિમલ ડિઝીસ લેબ દ્વારા મંગળવારે બારડોલીના મઢી ગામમાં સળંગ બીજા દિવસે પણ વધુ બે કાગડાના મૃતદેહોમાંથી લેવાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટીવ રિપોર્ટ મળતા સુરત જિલ્લાના મઢી ગામમાં વહિવટી તંત્ર દ્વારા ચિકન સેન્ટરો બંધ કરવા આદેશ આપ્યાનું જણાવા મળ્યુ હતુ. એટલુ જ નહિ, પશુપાલન વિભાગે બારડોલીના મઢી આસપાસના ક્ષેત્રોમાં પોલ્ટ્રી ફાર્મ, જળ પાલ્લવિત એરિયાના પક્ષીઓના સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરી હતી.
જૂનાગઢના બાંટવા બાદ સુરતના બારડોલી, વડોદરાના સાવલી અને વલસાડ એમ ચાર જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાયાનુ ભોપાલથી આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ચૂક્યુ છે. પશુપાલન અને આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ચાર જિલ્લા ઉપરાંત તાપી, નર્મદા, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાંથી પણ કાગડા, બતક, ટીટોડી, કબૂતર, મરઘાં, મોર અને કૂંજ પક્ષીઓના અચાનક મૃત્યુ પામવાની ઘટનાઓ બહાર આવી છે. આ જિલ્લાઓના ૪૦ થી વધુ સ્થળોએથી મૃત પક્ષીઓ અને આસપાસના જીવિત પક્ષીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આગામી ૪૮ થી ૭૨ કલાકમાં ઉપલબ્ધ થશે. જો કે, તાકીદના ભાગરૂપે ૯ પૈકી ચાર જિલ્લાઓમાં સાત સ્થળે પ્રતિબંધિત એરિયા ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here