૮૨ વર્ષના મંજુલાબેન પંડિત કોરાના સામેની લડાઇ જીતી ગયા

0
23
Share
Share

રાજકોટ, તા.૨૧

હું  ૮૨ વર્ષે પહોંચી છું પણ આજ સુધી મને કોઈ ગંભીર બીમારી થઈ હોય અને એની સારવાર માટે હું હોસ્પિટલમાં દાખલ થઇ હોઉં એવું મને યાદ નથી. કોરોનાની શરૂઆતથી જ બધું સાંભળતી હતી કે, વૃદ્ધો અને અન્ય બીમારી ધરાવતાં લોકો માટે કોરોના ઘાતક સાબિત થાય છે. પરંતુ જો તમારું આંતરમન મજબૂત હોય તો તમે અચૂકપણે કોરોનાને પણ હરાવી શકો છો. આ બાબત મેં ત્યારે અનુભવી જ્યારે હું પોતે કોરોનાગ્રસ્ત થઈ. આ શબ્દો છે ૮૨ વર્ષે કોરોનાને પછાડનારા મંજુલાબેન પંડિતના.

રાજકોટના પંચાયતનગરમાં રહેતાં શૈલેશભાઈ પંડિતનાં માતા મંજુલાબેનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાંની સાથે જ આખું ઘર જાણે દોડતું થઇ ગયું પરંતુ દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતા મંજુલાબેન તો નચિંત હતા અને પરિવારજનોને હિંમત આપી રહ્યા હતાં કે ચિંતા ન કરો, મને કંઈ જ નહી થાય. ડોક્ટર્સએ કહ્યું ઓક્સિજન લેવલ ઓછું થશે તો દાખલ કરવા પડશે, અન્યએ કહ્યું સીટી સ્કેનનો રીપોર્ટ દર્શાવે છે કે, ફેફસામાં અંદાજે ૪૫ ટકા ઇન્વેશન

પહોંચી ગયું છે. પરંતુ વર્ષોથી સમતોલ આહાર, નિયમિતતા અને સાત્વિક જીવનશૈલીના કારણે મંજુલાબેને કહ્યું, દાખલ તો થવું જ નથી, ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ ઘરે જ સારવાર લઇશ અને કોરોનાને હરાવીને જ રહીશ. અને આત્મબળના ટેકે ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ નિયમિત ઔષધિઓના સેવન સાથે કોરોનાનો મુકાબલો કરીને આજે મંજુલાબેન કોરોનાને હરાવી ચૂક્યા છે.

મંજુલાબબેને પોતાના કોરોનાકાળનાં અનુભવોને યાદ કરતાં જણાવ્યું હતું કે, મેં મન તો મજબૂત બનાવી જ લીધું હતું સાથે ડોક્ટર્સના સતત માર્ગદર્શન સાથે ચાર દિવસમાં હું સ્વસ્થ થઈ ગઈ હતી, ડોક્ટરની ટીમ નિયમિત બ્લડ સુગર અને ઓક્સિજન લેવલ ચકાસવા ઘરે જ આવતી. ઉકાળા, દવાઓના સેવનની સાથોસાથ ધીમે-ધીમે નબળાઈ દૂર થઈ અને હું ફરીથી તંદુરસ્ત થવા લાગી. અને ૧૪ દિવસ સુધી આ ક્રમને અનુસરી અંતે હું માંદગીને મ્હાત આપવામાં સફળ રહી.

કોરોનાને પરાજિત કરનારા મંજુલાબબેન પંડિત મધુરા હાસ્ય સાથે કહી રહ્યા હતાં, ડાયાબીટીસ હોવા છતાં ૮૨ વર્ષેય કોરોનાને હરાવી શકાય છે, બસ જરૂર છે  સબળ આત્મબળના ઔષધની..

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here