૮૦ ટકાથી ઓછી હાજરી ધરાવતા ધો.૧૦-૧૨નાં વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે

0
56
Share
Share

અમદાવાદ,તા.8
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પાંચ માર્ચથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મળશે. જેમાં સ્કૂલનાં આચાર્યને પાસવર્ડ આપવામાં આવશે. જેથી સ્કૂલનાં આચાર્યએ આવા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર લાલ અક્ષરે નો કેન્ડીડેટ લખી બોર્ડમાં જમા કરાવવાની બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.જો વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાના યોગ્ય કારણો હશે તો બોર્ડ સમક્ષ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે અને બોર્ડ તે દરખાસ્ત પર આદેશ કરે ત્યારબાદ જ વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે. આ પરીક્ષાની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની હાજરી અંગે બોર્ડે સ્કૂલને તાકીદ કરી છે કે, પ્રથમ સત્રના પ્રથમ દિવસથી લઈને ફેબ્રુઆરી મહિનાની ૧૫ તારીખ સુધીના શૈક્ષણિક કામકાજના કુલ દિવસોના ૮૦ ટકા કરતા ઓછા દિવસોની હાજરી ધરાવતા રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા પાત્ર ગણાશે નહીં. જેથી આવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પ્રિન્ટ કરી તેના પર લાલ અક્ષરે નો કેન્ડીડેટ લખી બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ખાસ કિસ્સામાં ઉમેદવારોની લાંબી બીમારી, માતા કે પિતાનું મૃત્યુ, આંતર શાળા કક્ષા કરતા નીચું ન હોય તેવી રમત ગમત સ્પર્ધા વગેરે કારણોસર હાજરી તૂટની દરખાસ્ત બોર્ડની કચેરીએ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આચાર્યની ભલામણ અને તેને લગતા જરૂરી પુરાવાઓ સાથે મોકલી આપવાની રહેશે. આ દરખાસ્ત બાદ તેની પર ચર્ચા કરી હાજરી તૂટ ક્ષમ્ય ગણવાના આદેશ બોર્ડ કરી શકશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here