૩,૦૦૦ પરપ્રાંતીય મજૂરને વિમાન મારફતે સુરત પરત લવાશે

0
28
Share
Share

સુરત,તા.૦૩

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે લાખોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો જોડાયેલા છે. લૉકડાઉન દરમિયાન ઉદ્યોગો બંધ થતા તેઓ બેરોજગાર થઇ ગયા હતા. વિકટ પરિસ્થિતિમાં આ શ્રમિકો ટ્રેન, ટ્રક અને ટેમ્પો મારફતે પોત પોતાના વતન પરત ચાલ્યા ગયા હતા. અનલોક ૧, ૨, ૩ અને ૪માં ઉદ્યોગ ફરી શરૂ થતા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટા ઓર્ડર મળ્યા છે. જોકે, સમસ્યા એ છે કે તેમની પાસે મજૂરો નથી. આથી જ હવે કેટલાક ઉદ્યોગકારો વતન જતા રહેલા પરપ્રાંતીય મજૂરોને ફ્લાઈટ મારફતે પરત બોલાવી રહ્યા છે. સચિન જીઆઈડીસીમાં પ્રિન્ટ ફેબ્રિકનો મોટો ઓર્ડર મળતા શ્રમિકોની અછત સર્જાઈ છે. સચિન જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, હાલ મોટો ઓર્ડર મળવાને કારણે ઉદ્યોગપતિઓએ ૩,૦૦૦ જેટલા મજૂરોને ફ્લાઇટ મારફતે સુરત બોલાવી રહ્યા છે.

હાલ ઉદ્યોગની સ્થિતિ સારી હોવાથી પ્રિન્ટેડ ફેબ્રિકના ઓર્ડરથી ઉદ્યોગમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. સચિન જીઆઈડીસીના બાપા સીતારામ ટેક્સટાઇલના માલિક અને ઉદ્યોગપતિ અલ્પેશ નાકરાણીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રતિ મજૂર ૫૫૦૦ના ખર્ચે કારીગરોને ફ્લાઇટ દ્વારા સુરત પરત બોલાવ્યા છે. આવા ૮૪ પરપ્રાંતીય મજૂર છે અને મોટાભાગના શ્રમિકો ઓડિશાના છે. તમામ મેડિકલ સેવા પૂરી પાડી અને તમામ ગાઈડલાઈન મુજબ તેમને ઓડીસાથી મુંબઇ એરપોર્ટ અને ત્યારબાદ ઇનોવા કારમાં સુરત બોલાવવામાં આવ્યા છે.

ઉદ્યોગપતિએ વધુમં જણાવ્યું કે, જેકાર્ડ મશીન ખૂબ જ અગત્યના હોય છે, આ મશીનો અન્ય શ્રમિકો ચલાવી શકે નહીં. જેથી અમે ફ્લાઇટ દ્વારા આ શ્રમિકોને સુરત પરત બોલાવી રહ્યા છીએ. લૉકડાઉનમાં મુશ્કેલીઓનો સામનો કરી ટ્રેન મારફતે ઓડિશાના ગંજામ પોતાના વતન ટ્રેન મારફતે ગયેલા બલ્લુ શાહુ અને પિન્ટુ ભુઇયા સુરત પરત ફરી ખૂબ જ ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પ્રથમવાર ફ્લાઈટમાં બેઠા હતા. તેમને જે પણ મુશ્કેલી પડી હતી તે સુરત પરત આવીને ભૂલી ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here