૨૬/૧૧ હુમલામાં ખુલાસો : કસાબને ઉડાવી દેવાની સોપારી દાઉદને મળી હતી

0
42
Share
Share

મુંબઇ તા.૧૮
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ ૨૬/૧૧ના આતંકી હુમલાના દોષી અજમલ કસાબને લઈને પોતાની આત્મકથામાં મોટો દાવો કર્યો છે. ‘લેટ મી સે ઈટ નાઉ’ પુસ્તકમાં મારિયાએ દાવો કર્યો છે કે મુંબઈ પોલીસ કસાબની તસવીર જાહેર કરવા ઈચ્છતું નહતું.
મારિયાના દાવા મુજબ પોલીસે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા કે આતંકવાદી કસાબની વિગતો મીડિયામાં લીક ના થાય. એટલું જ નહીં, મારિયાએ એવો પણ દાવો કર્યો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ગેંગ કસાબને મારી નાંખવા માટે સોપારી પણ આપી હતી.
મારિયાએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘દુશ્મન (આતંકવાદી કસાબ)ને જીવતો રાખવો મારી સૌપ્રથમ પ્રાથમિકતા હતી. કસાબ વિરુદ્ધ લોકોનો આક્રોશ ચરમસીમાએ હતો. એટલું જ નહીં, મુંબઈ પોલીસના અધિકારીઓ પણ રોષે ભરાયેલા હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તોઈબા આતંકવાદી કસાબને કોઈપણ ભોગે ઉડાવી દેવાની ફિરાકમાં હતા કારણ કે કસાબ મુંબઈ હુમલાનો સૌથી મોટો અને એકમાત્ર પુરાવો હતો.
પુસ્તકમાં એવો દાવો પણ કરાયો છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ૨૬/૧૧ હુમલાને હિન્દુ આતંકવાદનું સ્વરૂપ આપવા પણ પ્રયાસ કર્યો હતો. ૧૦ હુમલાખોરોને હિન્દુ સાબિત કરવા માટે તેમની સાથે હિન્દુ ઓળખ ધરાવતા આઈકાર્ડ મોકલવામાં આવ્યા હતા. કસાબ પાસેથી પણ એક આવું ઓળખકાર્ડ મળી આવ્યું હતું જેના પર સમીર ચૌધરી લખ્યું હતું.જો કે કસાબના પુણેની યરવડા જેલમાં ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ફાંસીએ લટકાવી દેવાયો હતો. દરમિયાન રાકેશ મારિયાએ પોતાની આત્મકથામાં શીના બોરા મર્ડર કેસને લઈને પણ કેટલાક દાવા કર્યા છે.
મારિયાએ જણાવ્યું છે કે ૨૦૧૫માં શીના બોરા મર્ડર કેસની તપાસ દરમિયાન શરૂઆતમાં જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) દેવેન ભારતીએ આ ખુલાસો કર્યો નહતો કે તેઓ કેસના મુખ્ય સંદિગ્ધ પીટર મુખરજી અને તેની પત્ની ઈન્દ્રાણી મુખરજીને ઓળખતા હતા. રાકેશ મારિયાએ તપાસ દરમિયાન થયેલા પોતાની બદલી અંગે પણ મૌન તોડ્યું હતું. મારિયા પર આક્ષેપ હતો કે તેઓ પીટરને બચાવવાનો પ્રયાસ કરતા હતા.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here