૨૦૨૧માં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે

0
17
Share
Share

અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈ અને નવા રાહત પેકેજની આશાથી સોનાને સપોર્ટ મળવાની શક્યતા છે

મુંબઈ,તા.૨૯

ગોલ્ડ હંમેશા અનિશ્ચિત સમયમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે કોરોના વાયરસની મહામારીની અનિશ્ચિતતામાં પણ ગોલ્ડનો ભાવ નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. જાણકારોનું માનીએ તો ૨૦૨૧માં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે. તેનો ભાવ નવા વર્ષમાં ૬૩ હજાર રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ થાય તો પણ નવાઈ નહીં. અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈ અને નવા રાહત પેકેજની આશાથી સોનાને સપોર્ટ મળવાની શક્યતા છે. ૨૦૨૦માં કોરોના વાયરસની મહામારીને કારણે આર્થિક અને સામાજીક અનિશ્ચિતતાઓને કારણે સોનું રોકાણનું એક સુરક્ષિત માધ્યમ બનીને ઉભર્યું છે. આ પીળી ધાતુની કિંમત એમસીએક્સ પર ઓગષ્ટમાં ૫૬,૧૯૧ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૨,૦૭૫ ડોલર પ્રતિ ઔંશ સુધી પહોંચી ગઈ હતી. વૈશ્વિક નાણાકીય નીતિમાં ઝડપથી આવતા પરિવર્તનથી ઓછા વ્યાજ દર અને અભૂતપૂર્વ લિક્વિડિટીનો દોર શરુ થતાં સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો હતો. કોમટ્રેડઝ રિસ્ક મેનેજમેન્ટ સર્વિસિસના સીઈઓ જ્ઞાનશંકર ત્યાગરાજનના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરુઆતમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૯,૧૦૦ રુપિયાની આસપાસ હતા. કોરોનાના શરુઆતના આંચકાથી ગોલ્ડ ઘટીને ૩૮,૪૦૦ રુપિયા થઈ ગયું હતું. પરંતુ ત્યારબાદ તે સતત વધતું રહ્યું, અને એક સમયે ૫૬,૧૯૧ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી ગયું. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસની વેક્સિન અને આર્થિક સુધારાની ચર્ચા છતાંય આશા છે કે હાલના પ્રોત્સાહનોને કારણે સોનામાં તેજી આગળ પણ જળવાઈ રહેશે. અમેરિકામાં જાહેર કરાયેલા પેકેજને કારણે ડોલર કમજોર થઈ શકે છે. તેનાથી સોનાની કિંમતમાં ફરી ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, જંગી પેકેજને કારણે ફુગાવાનું દબાણ રહેવાની શક્યતાને કારણે પણ રોકાણકારોમાં સોનાનું આકર્ષણ જળવાઈ રહેશે. ત્યાગરાજને એમ પણ જણાવ્યું હતું કે ભારત અને ચીનની ડિમાન્ડ ૨૦૨૧માં મહત્વપૂર્ણ રહેશે, જે પાછલા કેટલાક વર્ષથી કમજોર રહી છે. જેના લીધે પણ તેમાં ફરી તેજી આવી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૧માં સોનાની કિંમત ઓછામાં ઓછી ૬૦ હજાર રુપિયા અથવા ૨૨૦૦ ડોલરના સ્તરે સ્પર્શી શકે છે, બસ તેના માટે રુપિયો સ્થિર રહે તે જરુરી છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે વૈશ્વિક સ્તર પર આર્થિક સુધારા સાથે જોડાયેલી ચિંતાઓને કારણે ૨૦૨૧માં પણ સોનામાં સતત તેજી જોવા મળી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here