અમદાવાદ,તા.૧૨
નાગરિકોના સ્વાસ્થ્યની સાથે કોઈપણ ભોગે ચેડાં ન થાય અને લોકો સારું તથા સાત્ત્વિક વસ્તુઓ મેળવે એ માટે એની ચકાસણીની જવાબદારી જેના માથે છે એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની કામગીરી પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય-ફૂડ વિભાગ દ્વારા તહેવારો આવતાંની સાથે ફૂડનાં સેમ્પલ લેવામાં આવે છે, જેમાં તહેવાર જતા રહ્યા પછી એનાં પરિણામ જાહેર કરે છે. કોર્પોરેશને વેપારીઓ સાથે કરેલાં સેટિંગની માહિતી પણ છુપાવવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને લઈને જલેબી, ફાફડા તેમજ તલના લાડુ વગેરેનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે.
ફૂડ વિભાગના હેડ ડો.ભાવિન જોશીના કહેવાથી છેલ્લા અઠવાડિયામાં ૮૪ જગ્યાથી ફૂડનાં સેમ્પલ લીધાં છે, પરંતુ માત્ર ૧૩ જ જગ્યાનાં નામ જાહેર કર્યાં છે. એવામાં પ્રશ્ન ઊભા થયા છે કે બાકીના ફૂડ સ્ટોલધારકોનાં નામ કેમ જાહેર કરવામાં આવ્યાં નથી. સેમ્પલ લેતા સમયે કઈ જગ્યા પર ગંદકી જોવા મળી તેમજ ગંદકીને કારણે કેટલા લોકોને નોટિસ આપવામાં આવી એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય-ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ સીઝનલ કામગીરી આવતાં જ પોતાના અધિકારી-કર્મચારીઓને દુકાનોમાં ઊંધિયું, જલેબી, ચીકી, ફાફડા અને તલના લાડુનાં સેમ્પલ લેવા મોકલ્યા હતા.
૮૪ જેટલી જગ્યાથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા, જેમાં ૧૩ જ દુકાનનાં નામ પ્રેસનોટમાં છાપી દેવામાં આવ્યાં હતાં, બાકીનાં નામ છુપાવવામાં આવ્યા હતા. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આરોગ્ય વિભાગની સાથે વહીવટ કરી લેતા વેપારીઓનાં નામ છુપાવવામાં આવે છે? જે વહીવટ નથી કરતાં તેમનાં નામ જાહેર કરવામાં આવે છે? ખરેખર રાજ્ય સરકારે કોર્પોરેશનના વિભાગોમાં ધ્યાન આપવાની જરૂર છે.