હવે ૧-૧-૨૦૧૬ પછીના ગુજરાતના અધ્યાપકોને નહી મળે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ

0
8
Share
Share

ગાંધીનગર,તા.૨૪

યુજીસીની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ હવે ૧-૧-૨૦૧૬ પછીના ગુજરાતના અનેક અધ્યાપકોને નહી મળે. ગુજરાત સરકારે રાજ્યની યુનિ.ઓ-કોલેજોના શૈક્ષણિક સ્ટાફ માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હાલ પુરતી બંધ કરતા તેની દરખાસ્તનો અસ્વીકાર કર્યો છે અને જેને પગલે હવે અધ્યાપકોને પ્રમોશન -પગાર વધારો નહી મળે. આ સ્કીમનો લાભ નહી આપવા પાછળ સરકારે કબૂલ્યુ છે કે કેન્દ્ર સરકારે પગાર પંચ માટેની ગ્રાન્ટ જ નથી આપી. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે  રાજ્યની સરકારી યુનિ.ઓના અને સંલગ્ન તમામ સરકારી-ગ્રાન્ટેડ કોલેજોના વિવિધ વર્ગના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ  આપવામા આવ્યો છે અને જેમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના લાભો મંજૂર કરવાના રહેશે નહી.

શિક્ષણ વિભાગ મારફત નાણા વિભાગની અલગથી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે તેવી જોગવાઈ પણ કરવામા આવી હતી. જે અનુસાંધને ૧-૧-૨૦૧૬ પછીના મંજૂર કરવા પાત્ર કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના લાભો આપવા માટે દરખાસ્ત હતી પરંતુ આ સ્કીમની જોગવાઈઓ હાલ લાગુ પાડવામા નહી અને આ દરખાસ્તનો અસ્વીકાર કરવામા આવે છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ અન્વયે બાકી રહેલ ગ્રાન્ટ તેમજ સાતમા પગાર પંચની ૫૦ ટકા લેખે ગ્રાન્ટની ચુકવણી કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આપવામા આવી નથી. આ ઉપરાંત ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના કિસ્સામાં પણ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળી નથી.

મહત્વનું છે કે ૨૦૧૦માં કેન્દ્ર સરકારે છઠ્ઠુ પગાર પંચ મંજૂર કર્યુ હતુ ત્યારે દસ વર્ષે પણ હજુ સુધી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ન મળે તો ખરેખર વાંક કોનો ?શા માટે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ નથી આપી? છેલ્લા ઘણા સમયથી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પગાર વધારો માંગતા રાજ્યની વિવિધ યુનિ.ઓ-કોલેજોના એકથી દોઢ હજાર અધ્યાપકોમાં હાલ રોષ ફેલાયો છે.મહત્વનું છે કે કોરોનાને પગલે આર્થિક સ્થિતિ બગડતા સરકાર પાસે હવે પગાર કરવાના પણ ફાંફા છે ત્યારે પગાર વધારો હવે સરકાર કઈ રીતે આપશે તે પણ પ્રશ્ન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here