હળવદ,તા.૨૭
આજે વહેલી સવારના હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે ૨૦ જેટલા ઘેટાં પર ફેરવી દેતા ૧૭ ઘેટાના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ ઘેટાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશુપાલકે વળતરની માગ કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરુભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવા ભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેટાંઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર બે જવાબદારીપૂર્વક પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે ઘેટાંઓને અડફેટે લીધા હતા જેમાં ૧૭ ઘેટાંના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ જેટલા ઘેટાં ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કન્ટેનર ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા જેના પર નિર્ભર હતી તે ઘેંટાઓના મોત નિપજતા રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.