સ્વપ્નો રોગોના નિદાન અને ચિકિત્સામાં પણ ઉપયોગી

0
8
Share
Share

સ્વપ્ન એટલે વિસ્મયના વિશ્વમાં લઇ જતો એક અદ્ભત અનુભવ ! સ્વપ્ન એ અગોચર વિશ્વમાં પ્રવેશવાનું એક દ્વાર છે. અજ્ઞાાત રાજમહેલ જેવા અચેતન મનનો એક નાનો ઝરુખો છે. સ્વપ્ન એ વ્યક્તિનો પોતાનો દસ્તાવેજ છે. તે પોતે જ પોતાને ઉદ્દેશીને લખેલો પોતાનો અંગતપત્ર છે. સ્વપ્ન અજ્ઞાાત મનની ટોપ સિક્રેટ ડાયરી છે. અમેરિકન મનોવિજ્ઞાાની કેલ્વિન હૉલ (૧૯૦૯-૧૯૮૫) સ્વપ્નોને અર્થપૂર્ણ અને માહિતીપ્રદ રેકોર્ડ બુક તરીકે જુએ છે. તે કહે છે -સ્વપ્નો મન જે વિચાર છે એના ચિત્રો છે.વિશ્વ વિખ્યાત ઓસ્ટ્રિયન ન્યૂરોલોજિસ્ટ અને મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઇડ (૧૮૫૬-૧૯૩૯) તેમના દર્દીઓના રોગનિદાન માટે તેમના સ્વપ્નોનું અર્થઘટન કરતા એમના સમકાલીન કાર્લ ગુસ્તાવ જુંગ પણ સ્વપ્નોના પ્રભાવ વિશે માનતા મનોવિજ્ઞાનીઓ કહે છે કે સ્વપ્ન ’ઇચ્છાપૂર્તિ’  નહીં,પણ જરૃરિયાત પૂર્તિ કરે છે એવું કહેવું વધારે યોગ્ય કહેવાય. બ્રિટિશ મનોવિજ્ઞાની એન ફેરાડે તેમના ’ડ્રીમ પાવર’ નામના પુસ્તકમાં લખે છે કે સ્વપ્નોના અર્થઘટનથી માનવ સંબંધો સુધરે છે. સ્વપ્નો રોગોના નિદાન અને ચિકિત્સામાં પણ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.સ્વપ્નનું એક મહત્ત્વનું પાસું છે – ’ડ્રીમ ટેલિપથી’ અને ’ડ્રીમ ક્લેરવોયન્સ’ આવા પ્રકારના સ્વપ્નોમાં ભવિષ્યમાં બનનારી ઘટના સ્વપ્નમાં પહેલેથી જ દેખાય છે. જો એના સંકેત સમજીને પૂરતી કાળજી લેવામાં આવે તો મોટા સંકટમાંથી બચી પણ જવાય છે. અંગ્રેજ લેખક સર હેનરી રાઇડર હેગાર્ડ ને એવું સ્વપ્ન આવ્યું કે તેમનો કૂતરો સંકટમાં છે.તે પાણીમાં તણાય છે અને તેને બચાવી લેવા મટે જોર જોરથી ભસીને તેમને બોલાવી રહ્યો છે. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર ઘરના બધા મળ્યા ત્યારે તેમણે પોતાના સ્વપ્નની વાત પણ કહી થોડીવાર પછી તેમને જાણ થઇ કે ખરેખર તેનો કૂતરો ગૂમ થયો છે. આસપાસ બધે તપાસ કરાઈ પણ ક્યાંયથી એ મળ્યો નહીં. ચાર દિવસ પછી ખબર પડી કે નજીકમાં આવેલી એક નદીમાં એક આડબંધ પાસે તેનો મૃતદેહ તરી રહ્યો છે. અકસ્માતના સ્થળ પાસે રહેતા કેટલાક લોકોએ કહ્યું કે આગલા શનિવારની રાતના અગિયાર વાગે નદી ઉપરના પૂલને ઓળંગવા જતાં એ કૂતરો ગાડી સાથે અથડાઈ ગયો હતો.અને ગંભીર ઇજા થવાથી મરણ પામ્યો હતો. કૂતરાના લોહી અને ગળાના તૂટેલા પટ્ટા પરથી તે કૂતરો બોબ જ હતો એની ખબર પડી હતી. અકસ્માત પછી લગભગ બે કલાકે એટલે કે રાતના એક વાગ્યાની આસપાસ તે મરણ પામ્યો હશે એવું ડોક્ટરનું માનવું હતું. લેખક સર હેનરી હેગાર્ડને પણ લગભગ એ અરસામાં જ પેલું સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમનો કૂતરો બોબ નદીના પાણીમાં તરતો દેખાયો હતો અને ભસીને તેમને બચાવવા બોલાવી રહ્યો હતો. પ્રગાઢ લાગણીને કારણે બોબે હેગાર્ડને યાદ કર્યો ત્યારે તે નિદ્રામાં સ્વપ્નાવસ્થાવાળી સ્થિતિમાં હતા. એટલે દૂર બનેલી ઘટના એમને સ્વપ્નમાં જોવા મળી હતી.

૧૯૬૬માં વેલ્સમાં આવેલ એબરફાન નામની જગ્યાએ ઝીણી કોલસીનો વિશાળ પહાડ જેવો જંગ ધસી જવાથી એની બાજુમાં આવેલી શાળાના ૧૨૮ વિદ્યાર્થીઓ અને ૧૬ જેટલા શાળાના કર્મચારીઓ એમ થઇને ૧૪૪ જેટલા લોકો દટાઈને મરણ પામ્યા હતા. એ શાળાના બાવીસ બાળકો અને વાલીઓને એ ઘટનાનું પૂર્વજ્ઞાાન સ્વપ્ન દ્વારા થઇ ગયું હતું. એક બાળકીએ એની માતાને કહ્યું હતું – ’મમ્મી, મને સ્વપ્ન આવ્યું કે હું સ્કૂલે ગઇ પણ ત્યાં કોઈ સ્કૂલ હતી જ નહીં. સ્કૂલ આખી દટાઈ ગઇ હતી. કાળા રંગની કોઈ વસ્તુ સ્કૂલ પર પડતી હતી એવું મને સ્વપ્નમાં દેખાયું. મારે આજે સ્કૂલે નથી જવું. નહીંતર હું પણ એમાં દટાઈ જઈશ.’ એની વાત સાચી પડી હતી અને તે એમાં દટાઈ જવાથી મરણ પામી હતી.’ડ્રીમ ટેલિપથી’ની એક નોંધપાત્ર ઘટના ૧૯૧૪ના ઓક્ટોબર મહિનામાં નોંધાઈ હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ પૂરું થઇ ગયું હતું. લાખો લોકો એમાં મરી ગયા હતા. અને હજારો લાપતા હતા. એ દિવસો દરમિયાન પોલેન્ડના મસજ રેન્કના પોલીસ અધિકારીઓ પાસે મેરિના નામની એક છોકરી આવતી અને તેના બોયફ્રેન્ડને શોધી આપવા વિનંતી કરતી.

સ્ટેની સ્લોનિસ નામનો તેનો બોયફ્રેન્ડ એ વિશ્વયુદ્ધમાં એક સૈનિક તરીકે જોડાયો હતો. તે જીવે છે કે મરણ પામ્યો છે એની પણ જાણ થતી નહોતી. પોલીસ અધિકારીઓ તેને કહેતા – મેરિના, અમે સ્ટેનીને શોધવા અમારાથી થાય તે બધું જ કરીએ છીએ. અમે અનેક જગ્યાએ તપાસ કરી પણ એના કોઈ સગડ મળતા નથી.તું જ કહે અમે એને ક્યાં શોધીએ ? મેરિનાએ એનો જવાબ આપતા કહ્યું ’હું જ્યાં કહું ત્યાં તમે શોધશો તો તમને તે જરૃર મળી જશે ! હમણાંથી મને રોજ એક જ પ્રકારનું સ્વપ્ન આવે છે. એમાં મને સ્ટેની જીવતો દેખાય છે. તે મને યાદ કરી મદદ કરવા પોકાર કરતો જોવા મળે છે. કોઈ અંધારી સુરંગમાં રસ્તો શોધતો હોય એવું મને સ્વપ્નમાં દેખાય છે. ચારે બાજુએ વિખરાયેલા અને ઢગલારૃપે ખડકાયેલા સિમન્ટ, માટી, પથ્થરોના કાટમાળને તે હટાવવાનો પ્રયત્ન કરે છે પણ તેમાં સફળ થતો નથી.’તે એક પહાડી પરનો પ્રદેશ છે. તે પહાડીના શિખર પર એક કિલ્લો છે. કિલ્લાનો એક બુરજ તૂટેલો છે. ત્યાં જે કાટમાળ પડયો છે એની નીચેના ભાગમાં સ્ટેની ફસાયો છે એવું એને સ્પષ્ટ દેખાય છે. પોલીસ સ્વપ્નને સાચું માનતી નથી અને આટલા પરથી એ સ્થળ શોધવું શક્ય પણ નથી એમ મેરિનાને જણાવે છે. છેવટે મેરિના પોતે જ સ્ટેનીને શોધવા નીકળી પડે છે. રાત્રે સૂતા પહેલાં તે તેના મનને આદેશ આપે છે કે સ્વપ્નમાં તેને સ્થળના પ્રદેશનું નામ પણ જાણવા મળે. એ રાત્રે તેને જે સ્વપ્ન આવે છે એમાં એને નિર્દેશ મળે છે કે પોલેન્ડની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં તેણે જવું ત્યાં એ પહાડી અને કિલ્લો જોવા મળશે.

મેરિના ૨૪ મે ૧૯૧૬ના રોજ પોલેન્ડના અગ્નિ ખૂણે આવેલા વિસ્તારોની મુલાકાતે જાય છે. ત્યાં એ જોયાના નામના ગામ પાસે આવે છે અને એક ટેકરી જુએ છે. એને જોતાની સાથે જ એને ખ્યાલ આવી જાય છે કે આ એ જ ટેકરી છે જે એને સ્વપ્નમાં દેખાય છે. ત્યાં એક કિલ્લો અને તૂટલો બૂરજ પણ છે એ જુએ છે એટલે એને પાકો વિશ્વાસ બેસી જાય છે કે ત્યાં પડેલા એ કાટમાળની નીચે જ સ્ટેની ફસાયેલો છે. તે પહાડીની નીચે વેલાં જોયાના ગામની પોલીસ પાસે જાય છે. એની મદદ માંગે છે.પોલીસ ઓફિસર ભલો હોય છે તે બચાવ કામગિરી કરતી ટુકડીના સભ્યો લઇને મેરિના સાથે જાય છે. મેરિના બતાવે છે તે જગ્યાએથી કાટમાળ હટાવવાની કામગીરી શરૃ કરાય છે. ત્યાં એક સુરંગનું પ્રવેશ દ્વાર મળી આવે છે. તેમાંથી એક ખંડેર જેવા મકાનમાં જવાતું હોય છે ત્યાં પહોંચ્યા ત્યારે તેમાંથી સાવ નબળો પડી ગયેલો સ્ટેની મળી આવે છે. થોડી ઘણી ખાવા-પીવાની વસ્તુઓ, મીણબત્તીઓ અને દીવાસળીની પેટીઓ એ મકાનમાં પડેલા હતા એના આધારે સ્ટેની દોઢ વર્ષ જેટલો સમય ત્યાં વીતાવી શક્યો હતો. આમ, સ્ટેની અને મેરિના વચ્ચે થતી ’ડ્રીમ ટેલિપથી’ એ જ સ્ટેનીના પ્રાણ બચાવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here