સૈયદ અલી ગિલાની : કાશ્મીરને સળગતું રાખવામાં યોગદાન

0
9
Share
Share

૯૧ વર્ષના ભાગલાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરનાં ભાગલાવાદી રાજકીય જૂથોના ગઠબંધન ’હુર્રિયત કૉન્ફરન્સ’ સાથે છેડો ફાડી નાખ્યો છે.

સોમવારે ગિલાનીએ સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ મૂકી છે અને કહ્યું, હુર્રિયતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, તેને જોઈને હું તેની સાથે સંપૂર્ણપણે છેડો ફાડું છું.ગિલાનીએ સ્વીકાર્યું હતું કે હુર્રિયતમાં ભારતે લીધેલાં પગલાંનો વિરોધ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો તથા અન્ય ખરાબ કામોને ’આંદોલનના વ્યાપકહિત’ના નામે અવગણી દેવાયા હતા.ગિલાની તત્કાલીન જમ્મુ-કાશ્મીર રાજ્યની ૮૭ ધારાસભ્યવાળી વિધાનસભાના ૧૫ વર્ષ સુધી સભ્યપદે રહ્યા હતા. તેઓ દક્ષિણ કાશ્મીરની સોપોર બેઠકનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા. ગિલાની ’જમાત-એ-ઇસ્લામી’નું પ્રતિનિધિત્વ કરતા હતા, જેની ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હતો.૧૯૮૯માં સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો, તે દરમિયાન તેમણે તથા જમાતના અન્ય ચાર નેતાઓએ રાજીનામાં ધરી દીધાં હતાં.કાશ્મીરમાં ઉગ્રવાદ સાથે સાથે જ હુર્રિયત નેતા તરીકે તેમનો ઉદય થયો હતો અને તેમણે ચૂંટણીગત રાજકારણથી છેડો ફાડી લીધો હતો.૧૯૯૩માં ૨૦થી વધુ ધાર્મિક અને રાજકીય સંગઠનોએ મળીને ’ઑલ પાર્ટીઝ હુર્રિયત કૉન્ફરન્સ’ના નેજા હેઠળ એકઠા થયા. ૧૯ વર્ષીય મીરવાઇઝ ઉમર ફારુખ તેના સ્થાપક ચૅરમૅન બન્યા.બાદમાં ગિલાનીને હુર્રિયતના ચૅરમૅન ચૂંટી કઢાયા, જેમની ગણતરી પાકિસ્તાનતરફી વલણ ધરાવનાર હુર્રિયત નેતા તરીકે થાય છે. પોતાની પાસપૉર્ટ અરજીમાં તેમણે ખુદને ભારતીય ગણાવવાનો ઇન્કાર કરી દીધો હતો તેમના કહેવા પ્રમાણે, કાશ્મીરનો મુદ્દોએ માત્ર કાશ્મીરીઓનો જ નથી,પરંતુ પાકિસ્તાનીઓનો પણ છે.ગિલાનીની ગણના હુર્રિયતના ’હાર્ડલાઇનર’ નેતા તરીકે થાય છે. ગત દશકથી તેમને કૅન્સર છે અને દિલ્હી તથા શ્રીનગરમાં તેમની સારવાર થતી રહી છે. ૨૦૧૦થી અત્યાર સુધી મોટાભાગનો સમય તેઓ પોતાના ઘરમાં નજરકેદમાં છે.આમ છતાં તેઓ કોઈ પણ કારણસર તેઓ કાશ્મીરના ખીણપ્રદેશમાં હડતાલનું આહ્વાન કરે એટલે ધરાતલ ઉપર તેની સજ્જડ અસર જોવા મળતી હતી.૨૦૦૮માં અમરનાથ યાત્રાબોર્ડને જમીન આપવાના મુદ્દે, ૨૦૧૦માં કાશ્મીરમાં કથિત નકલી ઍન્કાઉન્ટરમાં ત્રણ યુવકનાં મૃત્યુ (અને કુરાનની બેઅદબી) તથા ૨૦૧૬માં બુરહાન વાણીના ઍન્કાઉન્ટર બાદ ખીણપ્રદેશમાં ભારત સરકાર વિરુદ્ધ જુવાળ ફાટી નીકળ્યો હતો. જેમાં ગિલાની, ફારુખ તથા યાસિન મલિકે ઉદ્વિપકની ભૂમિકા ભજવી હતી.તેઓ કાશ્મીરમાંથી ભારતની સેનાને હઠાવવાની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયસ્તરે માગ કરી ચૂક્યા છે.

ગિલાની અને તેમના સમર્થકોએ હુર્રિયતથી અલગ થઈને વર્ષ ૨૦૦૩માં અલગ સંગઠન હુર્રિયત (ગિલાની ફાંટા)ની સ્થાપના કરી અને આજીવ ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવ્યા.૨૦૦૩માં હુર્રિયતના ઉદારમતવાદી નેતા મૌલવી અબ્બાસ અંસારીએ ભારત સાથે ’દ્વિપક્ષી વાટાઘાટો’ની તરફેણ કરી હતી, એટલે હુર્રિયતના છ જેટલાં સંગઠનોએ તેમની સામે બળવો કર્યો હતો, પરંતુ ૧૦ જેટલાં સંગઠનોએ મૌલવી અંસારીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મૌલવી અંસારીએ એ સમયે આયોજિત ચૂંટણીમાં અપ્રત્યક્ષ રીતે ભાગ લેનાર પીપલ્સ કૉન્ફરન્સને સમૂહમાંથી હાંકી કાઢવાનો ઇન્કાર કરી દીધો હતો.હુર્રિયતમાં આ તિરાડે ’સ્વતંત્ર કાશ્મીર’ અને ’પાકિસ્તાન સાથે જોડાણ’ ઇચ્છતા હુર્રિયત સંગઠનો વચ્ચે સીધી રેખા ખેંચી દીધી હતી.ગિલાનીએ હુર્રિયતના ચૅરમૅન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ કહ્યું હતું, કાશ્મીરનો મુદ્દો ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્રોની દેખરેખમાં ત્રિપક્ષીય વાટાઘાટ યોજવાની માગ કરી હતી.જમ્મુ-કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહમુતીવાળું રાષ્ટ્ર છે. ૧૯૪૭માં રઝાકારોની કાર્યવાહી બાદ અમુક હિસ્સો પાકિસ્તાન પાસે છે, જ્યારે બાકીનો હિસ્સો ભારત પાસે છે. પાકિસ્તાન તેને ’આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાવે છે.ભારતનો આરોપ છે કે પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓને હથિયાર આપવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનના મતે તેઓ ’સ્વતંત્રતાના લડવૈયા’ છે.

છેલ્લા કેટલાક સમયથી હુર્રિયતના બે જૂથ વચ્ચે તણાવ પ્રવર્તમાન હતો, કારણ કે મીરવાઇઝ ઉમર ફારુખના નેતૃત્વવાળું જૂથ ભારત સાથે સંવાદનું પક્ષધર હતું અને કાશ્મીરમાં ચૂંટણી યોજવા અંગે તેમનું વલણ નરમ હતું.જોકે, ગિલાની જૂથ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જનમત કરાવવાની માગ કરી રહ્યું છે. તે ચૂંટણી તથા દ્વિપક્ષીય સંવાદનો વિરોધ કરે છે.

ઓડિયો ક્લિપ ઉપરાંત હુર્રિયતના નેતાઓ અને કાર્યકરોને લખેલા વિસ્તૃત પત્રમાં ગિલાનીએ સરકારની કડક નીતિ કે પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે અલગ થઈ રહ્યા હોવાની વાતને નકારી કાઢી હતી.છેલ્લા ત્રણ દાયકાથી ગિલાની મીડિયામાં ગાજતું નામ હતું. કાશ્મીરની વાત નીકળે કે તરત જેમનો અચૂક ઉલ્લેખ થાય એવા નેતાઓમાં ગિલાની પણ એક હતા. ગિલાનીનો કાશ્મીરમાં ને કાશ્મીરીઓ પર કેટલો પ્રભાવ હતો એ ચર્ચાનો વિષય છે પણ આ માણસે પોતાની ન્યૂસન્સ લેવ્યુ ચોક્કસ ઊભી કરી હતી. પાકિસ્તાનના દલાલ તરીકે કાશ્મીરમાં આતંકવાદીઓનો પગપેસારો કરાવવામાં ને કાશ્મીરને કાયમ માટે હિંસાની આગમાં ધકેલી દેવામાં આ માણસનું યોગદાન મોટું હતું. આમ તો મકબૂલ બટ્ટ, સૈયદ સલાહુદ્દીન, યાસિન મલિક જેવા ઘણા નમૂનાઓએ કાશ્મીરને સળગતું રાખવામાં યોગદાન છે પણ ગિલાનીનું યોગદાન વધારે છે કેમ કે ગિલાનીએ કદી હાથમાં હથિયાર ઉઠાવ્યાં ને છતાં કાશ્મીરમાં આતંકવાદ ફેલાવ્યો.

આ માણસ આખી જિંદગી કાશ્મીરમાં જ રહ્યો ને પૃથ્વી પરના સ્વર્ગને નર્ક બનાવી દીધું એ જોતાં એ હુર્રિયત કોન્ફરન્સના ચેરમેનપદેથી ખસી જાય એ નોંધ લેવા જેવી ઘટના તો છે જ.હુર્રિયત કોન્ફરન્સ કાશ્મીરના નાના નાના રાજકીય પક્ષોનો શંભુમેળો છે. કાશ્મીરના રાજકારણ પર વરસો લગી કોંગ્રેસ ને અબ્દુલ્લા ખાનદાનની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સનો પ્રભાવ રહ્યો. અત્યારે મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ને ભાજપ કાશ્મીરના રાજકારણમાં બળૂકાં પરિબળ તરીકે ઊભર્યાં છે પણ બંનેની એન્ટ્રી બહુ મોડી થઈ. ભાજપનો પૂર્વાવતાર જનસંઘ કાશ્મીરમાં સક્રિય હતો પણ કદી જમ્મુથી આગળ ના જઈ શક્યો. પીડીપી તો છેલ્લા બે દાયકામાં ઉભરેલી પાર્ટી છે. બાકી મહેબૂબાના પિતા મુફતી મોહમ્મદ સઈદ તો મૂળ કૉંગ્રેસી જ હતા ને પછી વિશ્ર્‌વનાથ પ્રતાપસિંહની આંગળી પકડીને જનતા દળમાં જતા રહ્યા તેમાં મોટા નેતા થઈ ગયા. અલબત્ત નેશનલ કોન્ફરન્સ ને કોંગ્રેસના પ્રભાવના દિવસોમાં પણ નાના નાના ફાસફૂસિયા પક્ષો હતા જ. આ પક્ષોમાં એક જમાત એ ઈસ્લામી કાશ્મીર હતો. આ પક્ષ પાકિસ્તાનના દલાલોનો બનેલો હતો ને ગિલાનીએ ૧૯૫૦ના દાયકામાં કારકિર્દીની શરૂઆત આ જ પક્ષથી કરી હતી. પછીથી આ પાર્ટીના નેતાઓ સાથે મનમેળ ના રહેતાં ગિલાનીએ પોતાની પાર્ટી તહરીક એ હુર્રિયત બનાવેલી.ગિલાનીને એક જમાનામાં બીજા શેખ અબ્દુલ્લા બનવાના અભરખા હતા. અત્યારે ભલે એ પાકિસ્તાનના દલાલ તરીકે પંકાઈ ગયા હોય પણ એક જમાનામાં તેમને ભારતે બનાવેલી સિસ્ટમમાં પણ ભરોસો હતો ને ભારત કરાવતું એ ચૂંટણીમાં ભાગ પણ લેતા હતા. આ રીતે લોકશાહી ઢબે ચૂંટાઈને કાશ્મીરના રાજકારણમાં છવાઈ જઈને મુખ્યમંત્રી બનવાનાં સપનાં એ જોતા. એ માટે એ ચૂંટણી પણ લડેલા ને ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બન્યા છે. ૧૯૭૨, ૧૯૭૮ અને ૧૯૮૭માં એ ધારાસભ્ય તરીકે જીતેલા.

જો કે ધીરે ધીરે ગિલાનીને અહેસાસ થઈ ગયો કે, કાશ્મીરના રાજકારણમાં એ ધારે છે એવો પ્રભાવ ઊભો થવાનો નથી એટલે તેમણે પાકિસ્તાનના પગ પકડી લીધા. પાકિસ્તાનને તો પોતાના ઈસારે નાચે ને ભારતને કનડે એવા દલાલોની જરૂર હતી જ તેથી તેમણે ગિલાનીને પકડી લીધા.પાકિસ્તાને ૧૯૮૦ના દાયકાના અંતમાં ગિલાનીને પંપાળવાની તેમનો ઉપયોગ ભારત સામે કરવાની શરૂઆત કરી. ગિલાની પણ નવાસવા હતા તેથી પાકિસ્તન તરફ વફાદારી બતાવવા પૂરી તાકાતથી મચી પડેલા. તેના પરિણામે કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં જબરદસ્ત હિંસા ભડકી. ગિલાનીએ પાકિસ્તાનને રાજી કરવા અને પોતાનો પ્રભાવ ઊભો કરવા કાશ્મીરની લડાઈને ઈસ્લામનો રંગ આપી દીધો. તેમણે આતંકવાદીઓને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવા કહ્યું ને તેનું પરિણામ એ આવ્યું કે, કાશ્મીરમાંથી હિંદુઓએ પહેરેલાં કપડે ભાગવું પડ્યું. કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડવામાં ગિલાનીનું યોગદાન મોટું છે. ૧૯૯૦ના દાયકામાં શરૂ થયેલી એ હિંસા પછી અટકી જ નહીં. ગિલાની કાશ્મીર ખીણમાં મસિહા બની ગયા ને તેનો ઉપયોગ તેમણે કાશ્મીરમાં વધારે પ્રમાણમાં આતંકવાદ ફેલાવવા કર્યો.ગિલાનીએ આતંકવાદીઓના મસિહા તરીકેનો પોતાનો અસલી ચહેરો ખુલ્લો ના પડી જાય એટલે રાજકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી. આ પ્રવૃત્તિઓના ભાગરૂપે જ તેમણે નાના નાના રાજકીય પક્ષો તથા સંગઠનોને ભેગા કરીને હુર્રિયત કોન્ફરન્સ બનાવી.તેનો ઉદ્દેશ રાજકીય રીતે પાકિસ્તાનની દલાલી કરવાનો હતો. પાકિસ્તાન હુર્રિયતને આજેય તન,મન, ધનથી મદદ કરે છે. તેના બદલામાં ગિલાની પાકિસ્તાનના દલાલ તરીકેની ભૂમિકા વરસોથી ભજવ્યા કરે છે. ભારતથી કાશ્મીરને આઝાદ કરવાથી ઓછું અમને કશું ના ખપે તેવી રેકર્ડ એ વરસોથી વગાડ્યા કરે છે. ભારતનું ખાઈને ભારતનું ખોદતા ગિલાની કાશ્મીરી યુવકોના માનસમાં સતત ભારત સામે ઝેર ભર્યા કરે છે. પછી હુર્રિયત કોન્ફરન્સનાં પણ બે ફાડિયાં થયાં પણ ગિલાની પાકિસ્તાનના માનીતા હતા તેથી લાબું ખેંચી ગયા.ગિલાની માટે એ રીતે હુર્રિયતનું રજવાડું છોડવા માટે કોઈ કારણ નહોતું છતાં તેમણે સંકેલો કરવાનું કેમ નક્કી કરી લીધું એ સવાલ ચર્ચાવો સ્વાભાવિક છે. તેનું કારણ બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી પછીના સંજોગો છે. નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરીને કાશ્મીરમાં પાકિસ્તાનના દલાલ બધા રાજકારણીઓનાં બોર્ડ પતાવી દીધાં છે. હવે કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે ને લદાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ છે. કાશ્મીરને ખાસ દરજ્જો હતો ત્યારે તેનો જ દબદબો હતો એ હવે ખતમ થઈ ગયો છે ને રાજકીય રીતે તેનું કઈ મહત્ત્વ રહ્યું નથી.પહેલાં તો કાશ્મીરમાં યોજાતી ચૂંટણીનો વિરોધ કરવા કે તેમાં ધાંધલ કરાવવા રાજકીય પક્ષોની જરૂર પડતી. કાશ્મીરમાં ભારતીય લશ્કરના અત્યાચારોની બકવાસ વાતો ફેલાવવા માટે રાજકારણીઓની જરૂર પડતી. મોરચા કાઢવા ને વિરોધ કરવા પણ રાજકીય પક્ષોની જરૂર પડતી. હવે કાશ્મીરની સત્તા દિલ્હીના હાથમાં છે ને લશ્કરના જવાનો બધું કરે છે તેથી રાજકીય પક્ષો બહુ મહત્ત્વના રહ્યા નથી. આ કારણે પાકિસ્તાનને પણ તેની દલાલી કરી ખાતા રાજકારણીઓની જરૂર નથી રહી. કાશ્મીરમાં પાકિસ્તાનની આખી લડાઈ હવે આતંકવાદીઓના ભરોસે છે ને એ માટે પાકિસ્તાનને ગિલાનીની બહુ જરૂર રહી નથી. આતંકવાદીઓની ભરતી કરી શકે એવા નવા દલાલો બજારમાં આવી ગયા છે ને પાકિસ્તાન તેમનો ઉપયોગ કરીને ભારતમાં આતંકવાદ ફેલાવે છે.આમ તો ગિલાની ૯૦ વર્ષના છે ને તેનું રાજકારણ બહુ પહેલાં જ પતી ગયેલું એ જોતાં ભારત માટે ગિલાની રહે કે ના રહે બહુ ફરક પડતો નથી પણ છતાં ગિલાની ખસી જાય એ ઘટના ભારતે ખુશ થવા જેવી ચોક્કસ છે. આખી જિંદગી પાકિસ્તાનની દલાલી કરનારા ને કાશ્મીરને આઝાદ કરાવવાની વાતો કરનારા આતંકવાદીઓના મસિહા જેવા નેતાએ હતાશ થઈને હથિયાર હેઠાં મૂકવા પડે એ આપણી જીત જ છે. ગિલાની હતા ત્યારે પણ કાશ્મીર આપણું હતું ને એ નહીં હશે ત્યારે પણ આપણું જ રહેવાનું છે તેથી આપણા માટે ગિલાનીનું રહેવું ના રહેવું મહત્ત્વનું નથી પણ તેના જેવા ખાઈ-બદેલા નેતામાં પણ હતાશા આવી જાય એવી સ્થિતિ આપણે સર્જી શક્યા એ મોટી વાત છે.જો કે ગિલાની જેવા નેતા આટલાં વરસો લગી પોતાની દુકાન અહીં ચલાવી શક્યા એ આપણી નબળાઈ પણ કહેવાય. ગિલાની પાકિસ્તાનના પીઠ્ઠુ હતા ને તેનો ઉપયોગ તેમણે અઢળક સંપત્તિ બનાવવામાં કર્યો ને છતાં આપણે તેમનું કશું બગાડી ના શક્યા એ આપણી શરમકથા છે. એનઆઈએની તપાસમાં બહાર આવેલું જ છે કે, ગિલાની પાસે કરોડોની સંપત્તિ પોતાના નામે તો છે જ પણ ઢગલાબંધ બેનામી સંપત્તિ પણ છે. હવાલા કૌભાંડમાં પણ તેનું નામ ઉછળેલું. મજાની વાત એ છે કે, ગિલાની કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવી દેવાની તરફેણ કરતા હતા ને તેમણે પોતાની સંપત્તિ બધી ભારતમાં ભેગી કરેલી.ગિલાનીને બે દીકરા ને એક દીકરી મળી ત્રણ સંતાનો છે. ગિલાનીના પુત્રો નસીમ અને નઈમ ભારતમાં જ રહે છે. તેમનો દીકરો નઈમ અને પૂત્રવધૂ બંને ડોક્ટર છે. બંને વરસો લગી પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેલાં કેમ કે પુત્રવધૂ પાકિસ્તાની છે. દસેક વરસ પહેલાં ગિલાનીએ બંનેને ભારત બોલાવી લીધેલાં. ગિલાનીના પૌત્ર-પૌત્રીઓ ભારતમાં રહે છે ને અહીં જ કામ-ધંધા કરે છે. એ લોકો અહીં વરસોથી રહે છે, ભારતનું ખાય છે ને ભારતનું જ ખોદે છે. ગિલાની ભારત સાથે ગદ્દારી કરતા રહ્યા ને આપણે કશું ના કરી શક્યા એ આપણી નબળાઈ જ કહેવાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here