મુંબઇ,તા.૨૩
ભારે અફરા તફરી વચ્ચે ભારતીય શેરબજાર મામુલી સુધારા સાથે બંધ આવ્યું છે. બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ મામુલી સાત પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સાથે શેરબજારમાં છેલ્લા પાંચ સેશનથી ચાલી આવતી મંદીને બ્રેક લાગી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો સુધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૭.૦૯ પોઇન્ટ વધીને ૪૯,૭૫૧.૪૧ અને નિફ્ટી ૩૨.૧૦ એટલે કે ૦.૨૨ ટકા સુધરી ૧૪,૭૦૭.૮૦ પર બંધ રહ્યા હતા. મેટલ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. ઓએનજીસી, ઈન્ડસઈન્ડ, એલએન્ડટી, એસબીઆઇ,ટાઈટન, સનફાર્મા, ટીસીએસના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. જોકે મારુતિ, બજાજ-ઓટો, એચડીએફસી બેન્ક, એચસીએલ બેંક, એશિયન પેઇન્ટના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું.
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરની મંદી બાદ કેટલાક પસંદગીના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદદારી નિકળી હતી. સેન્સેક્સની ૩૦ પૈકી ૨૦ કંપનીના શેરોમાં તેજી જ્યારે ૧૦ કંપનીના શેરોમાં મંદી જોવા મળતી હતી. બીએસઇ ખાતે કુલ ૩,૦૮૧ સ્ક્રીપમાં કામકાજ થયું હતું,જે પૈકી ૧,૬૯૦ સ્ક્રીપમાં તેજી જ્યારે ૧,૨૩૨ સ્ક્રીપમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. જોકે ૧૫૯ સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા હતા.
બેન્કેક્સ ૧૪૦ પોઇન્ટ ઘટીને ૩૫,૧૧૭ પર રહ્યો હતો, જ્યારે મેટલ ઈન્ડેક્સમાં સૌથી સારો દેખાવ નોંધાવનારમાં તાતા સ્ટીલના શેર આશરે છ ટકા વધ્યા હતા.
એનએસઇ ખાતે ઉપલબ્ધ માહિતી પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારો (હ્લૈૈંં)એ રૂપિયા ૮૯૩.૨૫ કરોડ જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ૯૧૯.૮૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.