સુશાંત કેસની આગળની તપાસ માટે નવી સીબીઆઈ ટીમ બનાવવામાં આવી -પ્રદીપ ભંડારી
મુંબઈ,તા.૧૩
સુશાંતના મૃત્યુને ૭ મહિના થવા આવ્યા છે. તેના પરિવારના લોકો, મિત્રો અને ફેન્સ ન્યાયની રાહમાં છે. સીબીઆઈ, ઈડી, મહારાષ્ટ્ર પોલીસ, એનસીબી જેવી દેશની ૪ મોટી તપાસ એજન્સીઓ મળીને પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો કોયડો સોલ્વ કરી શક્યા નથી. જોકે, હજુ પણ અમુક લોકો નિરાશ નથી થયા. તેમાંના જ એક છે સુશાંતના મિત્ર ગણેશ હિવરકર, જે હાલમાં જ અણ્ણા હઝારેને મળ્યા. ગણેશે સોશિયલ મીડિયા મારફતે આ વાતની જાણકારી આપી. તેમણે અણ્ણા હઝારે સાથેનો તેમનો એક ફોટો પોસ્ટ કર્યો છે.
કેપ્શનમાં લખ્યું છે કે તે છેલ્લા ૩ મહિનાથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળવાની પણ ટ્રાય કરી રહ્યા છે, કૃપા કરીને કોઈ તેમની મદદ કરી શકતા હોય તો જણાવો. સાથે જ એક લેટર લખીને સુશાંતના મૃત્યુ વિશે જણાવ્યું છે. આ લેટર મરાઠીમાં છે. તેમાં લખ્યું છે- મારું એટલું જ કહેવું છે કે મારી ૩ વિનંતી છે જેને તમે સમજો અને તેમાં મદદ કરો. પહેલી- મીડિયા રોજ ૩૦ મિનિટ સુશાંતના કેસ સંબંધિત સમાચાર બતાવે. બીજી- આરએસએસ જેવી સંસ્થાઓ અમારી મદદ કરે.
ત્રીજી- ભારત સરકાર અને સીબીઆઈને એક લેટર લખવામાં આવે જેથી તે આ કેસ પર ધ્યાન આપે. ગણેશ મુજબ અણ્ણાએ તેને આ કેસમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર જ રિપબ્લિક ટીવી સાથે જોડાયેલા પ્રદીપ ભંડારીએ પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, ’સુશાંત સિંહ ડેથ કેસની તપાસ માટે એક નવી સીબીઆઈ ટીમ બનાવવામાં આવી રહી છે. જે આગળની તપાસ કરશે. નવી ટીમ આગામી થોડા દિવસમાં પુરાવાને આધારે તપાસ કરશે. હજુ કંઈપણ ખતમ નથી થયું, આશા ન છોડો.