સુરેન્દ્રનગર તા. રર
અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મહિલા ૨ વર્ષ પહેલાં નાની બહેનના દિયરના લગ્ન પ્રસંગે લીંબડી આવ્યા હતા. જયાં તે ચુડા તાલુકાના જેપર ગામે રહેતા કૌટુંબિક ફઈના દિકરા યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મહિલા અને અપરણિત યુવક વચ્ચે અવારનવાર ફોન ઉપર વાત થવા લાગી હતી. મહિલાના પુત્રનો જન્મદિવસમાં યોગેશ ઉર્ફે લાલો રાઠોડ અમદાવાદ ગયો હતો. મહિલા ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે યોગેશે બાથરુમમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ફોટા-વીડિયો દેખાડી મહિલાને બ્લેકમેલ કરી ૧૧ મહિના સુધી દુષ્કર્મ કર્યું. યોગેશની વારંવાર ધમકી અને જબરજસ્તીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા અને ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. મહિલાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં મહિલાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ બળાત્કારી યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ચુડા પોલીસના રઘુભાઈ રબારીની મદદથી આરોપીની જેપરમાંથી ધરપકડ કરી હતી.