સુરત રહેણાક વિસ્તારમાં કોરોના વોર્ડ સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

0
21
Share
Share

હોસ્પિટલની આસપાસમાં ૩,૦૦૦ જેટલા લોકોનો વસવાટ

સુરત,તા.૨૮

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં બની રહેલા કોરોના વોર્ડ સામે લોકોનો વિરોધ થઈ રહ્યો છે. પોતાના વિસ્તારમાં કોરોના વોર્ડ બનાવવામાં ના આવે તેવી માગ સ્થાનિક દ્વારા કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આવેલી આશુતોષ હોસ્પિટલમાં કોરોના વોર્ડ બનાવવામાં આવે તે પહેલા જ તેની સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોટ્‌ર્સ મુજબ લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે આ હોસ્પિટલ આવેલી છે તેના ઉપરના ભાગમાં લોકો વસવાટ કરી રહ્યા છે અને હોસ્પિટલના ગોડાઉનના ભાગે કોરોના વોર્ડ બનાવાવ અંગેની કામગીરી કરાઈ રહી છે જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અહીં વસતા લોકો ભય વ્યક્ત કરીને પોતાની રજૂઆતમાં જણાવે છે કે આ રહેણાંક વિસ્તાર છે અને જો અહીં કોરોના વોર્ડ બનાવવામાં આવશે તો સંક્રમણનો ખતરો વધી શકે છે. અહીં વસતા લોકોને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, આ રહેણાક વિસ્તારમાં આવેલી હોસ્પિટલ છે અને હોસ્પિટલના ઉપરના ભાગમાં તથા આસપાસમાં ૩,૦૦૦ જેટલા લોકો વસવાટ કરે છે. આવામાં દર્દીઓને સાજા કરવાની સાથે અન્ય સાજા વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવે તેવી સંભાવના વધારે છે માટે આ વિષયમાં સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને વિચાર કરવો જોઈએ. સ્થાનિકો દ્વારા એવો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે, હોસ્પિટલને કોવિડ વોર્ડ બનાવવાની મંજૂરી મળી છે તો શા માટે હોસ્પિટલમાં નહીં અને રેસિડેન્ડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં વોર્ડ ઉભો કરવામાં આવી રહ્યો છે?

જે ગોડાઉનમાં કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવી રહ્યો છે તે પાછલા ૫ વર્ષથી બંધ હોવાનું સ્થાનિક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રજૂઆત કરવાની લોકોએ તૈયારી બતાવી છે. લોકોની માંગ છે કે હોસ્પિટલને મંજૂરી મળી છે તો વોર્ડ હોસ્પિટલની અંદર બનાવવામાં આવે નહીં કે રહેણાક વિસ્તારમાં. જે જગ્યા પર વોર્ડ બનાવવાની કામગીરી થઈ રહી છે ત્યાં બેડ સહિતનો જરુરી સામાન ગોઠવવામાં આવી રહ્યો છે બીજી તરફ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here