સુરત,તા.૨૯
સુરત શહેરમાં બે રૂટ પર મેટ્રો રેલવે તૈયાર થનાર છે. જેમાં એક રૂટ સરથાણાથી ડ્રીમસીટીનો રહેશે. જે ૨૧.૬૧ કિમીનો છે. જ્યારે બીજો રૂટ ભેસાણ થી સરોલી રહેશે. જે ૧૮.૭૫ કિમીનો બનશે. સરથાણાથી ડ્રીમ સીટીનો રૂટ અંડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ રહેશે. જ્યારે ભેસાણ થી સરોલી નો પણ રૂટ એલિવેટેડ રહેશે. પ્રથમ ડ્રીમ સીટીથી રૂટ માટે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખાતમુહૂર્ત સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
સુરત મેટ્રો રેલવે માટે કેન્દ્રના નાણાં મંત્રાલય અને ફ્રાન્સ ડેવલપમેન્ટ એજન્સી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં સૂરતની મેટ્રો રેલવેને અઢીસો મિલિયન યુરો એટલે કે ૨,૨૧૧ કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો હતો. આ સમયે કેન્દ્રીય મંત્રી હરીદીપ પુરી પણ હાજર રહ્યા હતા. આ સહાય સાથે જ હવે મેટ્રો રેલવેની કામગીરી વધુ ઝડપી બની શકશે. જેનો સીધો લાભ સુરતના વિકાસને મળશે.