સુરત: માતાના ઠપકા બાદ ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી

0
27
Share
Share

બાળકી ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ ઊચ્ચ અધિકારી સહિત ૨૫૦ પોલીસકર્મીઓ અનેક વિસ્તારને ખૂંદી વળ્યા

સુરત,તા.૪

શહેરના પાંડેસરામાં સાવકી માતાએ વાસણ ધોવા બાબતે ઠપકો આપતા સાત વર્ષની બાળકી ટોઇલેટ જવાના બહાને ઘરેથી એક દિવસ પહેલાં સવારે ગુમ થઈ હતી. બાળકીને પોલીસે મોડી રાત્રે શોધી કાઢતા પરિવાર અને પોલીસ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકી ગુમ થયા બાદ પરિવારે આજુબાજુ શોધખોળ કરી હતી. બાળકી ન મળી આવતા આખરે બુધવારે બપોરે પાંડેસરા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીને શોધવા કામે લાગી હતી. મોડી રાત્રે શહેર પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી તેમજ ૨૫૦થી વધુનો પોલીસ કાફલો બાળકીને શોધવા કામે લાગ્યો હતો. બાળકી મળી આવ્યા બાદ પોલીસે તેને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપી હતી. એવી પણ માહિતી મળી છે કે બાળકી આ પહેલા પણ ઘરેથી નાસી ગઈ હતી. હજુ તો આઠ દિવસ પહેલા જ તેણી ચિલ્ડ્રન હોમમાંથી ઘરે પરત આવી હતી. મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં રહેતી સાત વર્ષીય બાળકી એક દિવસ પહેલાં ઘરેથી ગુમ થઇ ગઇ હતી. જેને લઇ પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ બાળકીને શોધવા કામે લાગ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આ દરમિયાન બાળકી પાંડેસરા પિયુષ પોઇન્ટના સીસીટીવી કેમેરા ઉપરાંત પત્રકાર કોલોનીના કેમેરામાં જોવા મળી હતી. જે બાદ બાળકી વીઆઇપી રોડના અને ગેલ કોલોની પાસેના કેમેરામાં જોવા મળી હતી. બાદમાં પોલીસ કાફલો વીઆઇપી રોડ ખાતે શોધખોળમાં લાગ્યો હતો. બાળકી પરવત પાટીયા ગઈ હોવાની આશંકાએ પોલીસે મોડી રાત્રે ત્યાં પણ તપાસ કરી હતી. અહીંથી જ બાળકી મળી આવી હતી. પોલીસે બાળકીને શોધવા માટે સામાજિક સંસ્થાની પણ મદદ લીધી હતી. પોલીસ પાંડેસરા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો ખૂંદી વળી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here