સુરત: કોરોનાગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિ.માં મફ્તમાં સારવાર આપવા પાલિકાના યુનિયનની માંગ

0
23
Share
Share

સુરત,તા.૦૪

શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અધિકારીઓ અને કામદારોને પણ ચેપ લાગી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કામદારોને કોરોના થાય તેવા સંજોગોમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર મફતમાં મળી રહે તેવી માંગ સાથે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાલિકા દ્વારા ૪૨ હોસ્પિટલ સાથે એમઓયુ(મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ) કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં પાલિકાના ૩૦૦થી વધુ કામદારોને કોરોનાનો ચેપ લાગ્યો છે ત્યારે આ કામદારો નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જાય ત્યારે તેમની પાસેથી રૂપિયા લેવામાં આવે છે અથવા તો તેમને એડવાન્સ ભરવા કહેવામાં આવે છે.

પાલિકા દ્વારા એમઓયુ કરેલી ખાનગી હોસ્પિટલને પરિપત્રથી જાણ ન કરી હોવાથી આવું થતું હોવાથી ઝડપથી પરિપત્ર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાના કામદાર સ્ટાફના પ્રમુખ મોહમ્મદ ઈકબાલ શેખએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ વચ્ચે લગભગ પાલિકાના નવ યુનિયનના ૨૨ હજારથી વધુ કામદારો રાત દિવસ સેવા આપી રહ્યાં છે. આ કોરોના વોરિયરને પણ સંક્રમણનો ચેપ લાગી રહ્યો છે. જેથી કામદારોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે છે એ દરમિયાન હોસ્પિટલ દ્વારા ૧.૫૫ લાખનું એક કામદાર પાસે બીલ લેવામાં આવ્યું હતું.

બીજા એક કામદારને હોસ્પિટલમાં દાખલ થતાં અગાઉ જ ૧ લાખ રૂપિયા એડવાન્સ ભરવા કહેવાયું હતું. અગાઉ પાલિકા કમિશનરે ખાનગી હોસ્પિટલમાં મફત સારવારનું કહ્યું હતું પરંતુ પરિપત્રથી ખાનગી હોસ્પિટલને જાણ ન કરાઈ હોવાથી બીલ માંગવામાં આવી રહ્યું છે. જેથી ઝડપથી ખાનગી હોસ્પિટલને પણ જાણ કરવામાં આવે તો કામદારો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા થાય તેવી માંગ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here