સુરત: ઓલપાડના ત્રણ ગામ શહેરની હદ વિસ્તરણમાં સમાવેશ કરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

0
18
Share
Share

સુરત,તા.૨૫

સુરત શહેરના હદ વિસ્તરણમાં બાકાત રહી ગયેલાં ઓલપાડના ત્રણ ગામ શેરડી, કનાજ અને સરોલી તેમજ ચોર્યાસીના મલગામા ગામનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરી લેવા માટે આજે ઓલપાડના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.૧૮મી જૂનના રોજ સુરત શહેરને અડીને આવેલા સચિન અને કનસાડ નગરપાલિકા ઉપરાંત ૩૧ જેટલા ગામોનો સમાવેશ સુરત શહેરની હદમાં કરવામાં આવ્યો હતો.  જેમાં ઓલપાડ તાલુકાના ૪, ચોર્યાસી તાલુકાના ૧૮ અને કામરેજ તાલુકાના ૯ સહિત ૩૧ ગામોનો સમાવેશ કરાયો હતો. આ હદ વિસ્તરણમાં ઓલપાડ તાલુકાના સેગવા સ્યાદલા, વસવારી, ગોથાણ અને ઉમરા જ્યારે ચોર્યાસી તાલુકાના ભરથાણા કોસાડ, પારડી કણદે, તલંગપુર, પાલી ઉંબેર, કાદી ફળિયા, ભાટપોર, ભાઠા, ઈચ્છાપોર, ભેંસાણ જુથ ગ્રામ પંચાયત હેઠળના પાંચ ગામો, જેમાં ભેસાણ, ઓખા, વણકલા, વિહેલ, અને ચીચી ઉપરાંત અસારમા, સણિયા હેમાદ, કુંભારીયા, અને સારોલીનો સમાવેશ કરાયો હતો.

જોકે, કેટલાંક ગામોનો સમાવેશ નહીં કરાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી બાકાત રહી ગયેલા ઓલપાડના ત્રણ ગામો શેરડી, કનાજ અને સરોલી તેમજ ચોર્યાસીના મલગામ ગામને સમાવી લેવા રજૂઆત કરી છે. પટેલે લખ્યું છે કે ઓલપાડની આ ત્રણ ગામોની બાજુમાં આવેલા કંટાળા ગામને છેક ૨૦૦૬માં જ સુરત મનપાની હદમાં સમાવી લેવાયું હતું. ત્યારે આ વખતે આ ત્રણેય ગામનો સમાવેશ શહેરની હદમાં થાય તેવી આશા હતી, જે પૂરી નથી થઈ. નોંધનીય છે કે હદ વિસ્તરણ બાદ સુરત શહેરનુ ક્ષેત્રફળ જે ૩૨૬.૫૨ ચો. કિમી હતું એમા ૧૩૪.૯૬ ચો. કિમીનો ઉમેરો થયો છે, અને હવે સુરત શહેરનું કુલ ક્ષેત્રફળ ૪૭૪.૧૮ ચો. કિમી  થઈ ગયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here