પલસાણાના ચલથાણ નહેર ખાતે થયેલા અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ : હોસ્પિટલમાં સારવાર
સુરત,તા.૨૩
વહેલા પહોંચી જવાની લ્હાય કે પછી બેદરકારીથી ડ્રાઇવિંગને પગલે દરરોજ અકસ્માતના અનેક બનાવો બનતા રહે છે. સુરત જિલ્લામાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. જોકે, સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતમાં એક કાર કેનાલમાં ખાબકી હતી. જોકે, પોલીસ જવાનની સતર્કતાને કારણે કાર ચાલકનો જીવ બચી જવા પામ્યો છે. આ અકસ્માત પલસાણાના ચલથાણ નહેર ખાતે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી કાર ચાલકની કાર ચલથાણ નહેરમાં ખાબકી હતી. આ અંગે લોકોને જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કાર જે જગ્યાએ નહેરમાં ખાબકી હતી તે જગ્યા કડોદરા પોલીસ મથકની સામે જ આવેલી છે. એટલે પોલીસને અકસ્માત વિશે જાણ થઈ હતી. જે બાદમાં કડોદરા પોલીસ મથકના એક બહાદુર પોલીસકર્મીએ તાત્કાલિક દોડી જઈને કાર ચાલકનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વહેતી નહેરમાં કાર ખાબકી હતી. આ વાતની જાણ થતા જ પોલીસકર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કાર ચાલકને બચાવ્યો હતો. કાર ચાલકને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં કાર ચાલકને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાત્રે બનેલા આ અકસ્માતમાં કાર કેનાલના વહેણમાં તણાઈ રહી છે. બીજી તરફ કાર તણાઈને જતી ન રહે તે માટે લોકોએ તેની સાથે દોરડું બાંધી દીધું હતું.