સુરત,તા.૨૭
કહેવાય છે કે પોલીસની નોકરી એટલે સતત ૨૪ કલાકની ડ્યૂટી, આ ડ્યૂટી કરવી એ સૌના હાથની વાત નથી. નોકરીમાં ફરજ માટે ગમે ત્યારે હાજર થવું પડે અને આવી નોકરી કરવા માટે માનસિક મનોબળ મજબૂત જોઈએ. પોલીસ ખાતાનો સ્ટાફ માનસિક રીતે સજ્જ હોય છે તેવું માની લેવામાં આવે છે પરંતુ તેમની જિંદગીની સમસ્યાઓને કોઈ વાચા આપતું નથી. પોલીસ ખાતામાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે આજે આત્મહત્યા કરી લેતા આ ચર્ચા ફરી છેડાઈ છે. સુરત જિલ્લામાં ફરજ બજાવતા આ કોન્સ્ટેબલ ખેતરમાં આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશિષ વિનોદ ચૌધરી નામના કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. આશિષભાઈ મિલનસાર સ્વભાવના કોન્સ્ટેબલ હતા. જોકે, તેમની આત્મહત્યા બાદ અંતિમ ચિઠ્ઠી મળી આવી હોવાના અહેવાલો સાપડ્યા નથી ત્યારે ઘટનાની ગુથ્થીઓ હાલ તો ઉલઝી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે તેમના ખેતરમાં જ તેમણે આપાઘત કરી લેતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ પહોંચી ત્યારે તેઓ આંબાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમા મળી આવ્યા હતા. જોકે, આ આપઘાતના અહેવાલોના પગલે સમગ્ર વિસ્તારમાં વાત વાયુ વેગે પ્રસરાઈ ગઈ હતી.
દરમિયાન મૃતક કોન્સ્ટેબલના પરિવાર પાસેથી તેમની માંદગીના અહેવાલ સામે આવી રહ્યા છે. પરિવારે પોલીસને જણાવ્યું કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. જો સ્થિતિ હોય તો માનસિક અથવા અન્ય કોઈ બીમારીમાં કોન્સ્ટેબલે જિંદગી ટૂંકાવી લીધી હોવાની શક્યતા છે. જોકે, બનાવની સાચી હકિતતો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.