સુરત,તા.૩૦
શહેરના ઉન પાટિયા વિસ્તારમાં ધોરણ-૮માં ભણતી ૧૬ વર્ષની સગીરાએ પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરાને બે મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉન પાટિયાના તિરુપતિ નગરમાં બિહારના છપરા જિલ્લાનો એક પરિવાર રહે છે. જેઓ રવિવારે ટ્રેનથી પોતાના વતન બિહાર જવાના હતા.
તે પહેલા જ તેમની ૧૬ વર્ષની દિકરીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી લીધુ હતું. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ રવાના કરી દીધો હતો. શુક્રવારે સવારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, મૃતક સગીરા બે મહિનાથી પ્રેગ્નેન્ટ હતી.
જે બાદ ડૉક્ટરોએ પોલીસને જાણ કરી હતી. આ મામલે સચિન પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એમબી તડવીએ જણાવ્યું કે, અત્યાર સુધી આત્મહત્યાના આધારે જ કેસની તપાસ કરવામાં આવી રહી છે. હવે મૃતકના અંતિમ સંસ્કાર થયા બાદ દુષ્કર્મના એન્ગલથી આગળની તપાસ શરૂ કરવામાં આવશે.