સુરતમાં ચૌટા બજારમાં ભીડઃ ફટાકડામાં મંદી, મિઠાઈ અને ફૂલોની ખરીદી વધી

0
21
Share
Share

સુરત,તા.૧૨

દિવાળી પર્વને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે, ત્યારે સુરતના ખરીદી માટેનું સ્થળ ગણાતા એવા ચૌટા બજારમાં અને બાદમાં બરોડા પ્રિસ્ટેજમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.કોરોનાની મહામારી અને લોકડાઉનના ૮ મહિના બાદ લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષની સરખામાણીએ ચાલુ વર્ષે દિવાળીના પર્વ પહેલા માત્ર ૫૦ ટકા જેટલા જ ગ્રાહકો બજારમાં નીકળ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. મહિલાઓને કટલેરી સહિતના સામાનની ખરીદીમાં વધારો થયો છે. જ્યારે ફટાકડાની ખરીદીમાં હજુ નિરસતા જોવા મળી રહી છે. મિઠાઈની દુકાનો પર પણ લોકોની ખરીદી સારા પ્રમાણમાં ચાલી રહી હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. બીજી તરફ ફૂલ માર્કેટમાં પણ ફૂલ ગુલાબી ઠંડીમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.રંગોળી અને દિવડાની ખરીદીમાં પણ લોકો સારો રસ દાખવી રહ્યાં છે.

જો કે બજારોમાં ઉમટતી ભીડ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી અને અમૂક ગ્રાહકો માસ્ક વગર જોવા મળતાં કોરોના સંક્રમણ ફેલાઈ તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ચૌટા બજારમાં ખરીદી માટે લોકોનો ઘસારો ભલે જોવા મળી રહ્યો છે, પરંતુ વેપારીઓના જણાવ્યાનુસાર માત્ર ખરીદી ૫૦ ટકા જેટલી રહી છે. ચૌટા બજારમાં કટલેરીની દુકાન ધરાવતા વેપારીઓના જણાવ્યા પ્રમાણે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વખતે નવો માલ ઉતારવામાં આવ્યો નથી. ગત વર્ષનો જે જૂનો માલ પડ્યો હતો તે જ વેચાણ કરવામાં આવી રહ્યો છે. જો કે કટેલરીની ગ્રાહકી માત્ર ૨૦ ટકા જેટલી જ રહી ગઈ છે. દર વર્ષે જે વેપાર દિવાળીના દિવસો દરમ્યાન જોવા મળતો હતો, તે આ વખતે ૫૦ ટકા જેટલો જ જોવા મળી રહ્યો છે.

ફટાકડાના વેપારીની હાલત ખૂબ ખરાબ હોવાનું કહી શકાય છે. ૧૨ કલાકમાં ૧૨ હજારના પણ ફટાકડા વેચાતા ન હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. સ્ટોલ પર આખો દિવસ મોબાઈલમાં સોશિયલ મીડિયા પર રહીને ટાઈમ પાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આ વર્ષ ફટાકડાના વેપારીઓ માટે આઇસોલેશનમાં પડેલા દર્દી જેવા કહી શકાય છે. લાખોના ફટાકડા કોડીના ભાવે વેચવા પડે એવી હાલત દેખાય રહી છે. કેટલાક તો વ્યાજના રૂપિયાથી વેપાર કરી રહ્યા છે તેમના શું હાલ થશે એ ભગવાન જ કહી શકે છે. આ વર્ષનું ફટાકડાનું માર્કેટ સુરતના ઇતિહાસનું નિરાશાજનક માર્કેટ કહી શકાય છે. આગામી ૪૮ કલાકમાં કેટલાક ખર્ચ પણ નીકળી જાય તો નસીબ સારું કામ કરી ગયું એમ કહી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here