સુરતના ૨ ટીઆરબી જવાનોનું આઈટીબીપી અને સીઆઈએસએફમાં થયું સિલેક્શન

0
31
Share
Share

સુરત,તા.૨૯
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ પંક્તિઓને સુરતના બે ટીઆરબી જવાનોએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્રણ વર્ષથી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવી રહેલા બે યુવાનોનું આઈટીબીપી અને સીઆઈએસએફ સેવામાં સિલેક્શન થયું છે. ફરજની સાથે સપના પૂરા કરવાની ધગશને કારણે તેઓએ આ સફળતા મેળવી છે. જ્યાં સુધી મનુષ્ય આ મુશ્કેલ માર્ગોમાંથી પસાર થતો નથી, ત્યાં સુધી સફળતા અનુભવાતી નથી ત્યારે સુરતમાં ટ્રાફિક વિભાગના બે યુવાનોની પસંદગી આઈટીબીપી અને સીઆઈએસએફ માં કરવામાં આવી છે. સમાજમાં આ યુવાનો અન્ય લોકો માટે ઉત્કૃષ્ઠ ઉદાહરણ બન્યા છે.
મૂળ મહારાષ્ટ્રના શુભમ ગોસ્વામીનું આઈટીબીપી અને યુપીના છેલ તિવારીનું સીઆઈએસએફની સેવામાં સિલેક્શન થયું છે. પોતાની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાનું પાલન કરતાની સાથે સાથે પોતાના સપનાઓને પૂરા કરવાની અથાગ મહેનતને પરિણામે આ બંને યુવાનોએ સફળતા હાંસલ કરી છે. આઠ કલાકની ડ્યુટી નિભાવ્યા બાદ બચતા સમયગાળાનું વ્યવસ્થિત શિડયુલ બનાવી તેમણે અભ્યાસ પણ કર્યો અને સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ શરૂ કરી હતી. બંને યુવાનોના મતે તેમની આ સફળતા તેમના સુપરવાઇઝરોને આભારી છે. જેમણે તેમને દરેક રીતે માર્ગદર્શન અને સપોર્ટ પૂરો પાડ્યો છે. સામાન્ય પરિવારથી આવતા બંને યુવાનોની પસંદગીને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
શુભમ ગોસ્વામીએ કહ્યું કે, હું વર્ષ ૨૦૧૬ માં ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થયો હતો અને વર્ષ ૨૦૧૮ માં એસએસસીજીડીનું ફોર્મ ભર્યું હતું. મારી ડ્યુટીનો સમય સાતથી ત્રણ હતો અને ત્રણ વાગ્યા પછી હું વાંચન માટે નવાગામની લાઇબ્રેરીમાં જતો હતો. સાંજે અભ્યાસ કર્યા બાદ દોડવાની પ્રેક્ટિસ કરતો હતો. અભ્યાસ માટે ટ્રાફિક સુપરવાઇઝર મોહમ્મદ સર અને સર્કલ ઈન્ચાર્જનો સ્પોર્ટ ખૂબ મળ્યો હતો અને આઈટીબીપીમાં મારું સિલેક્શન થયું છે. તો છેલ તિવારીએ કહ્યું કે, સુરતમાં પંદર વર્ષથી રહું છું. વર્ષ ૨૦૧૭ માં ટીઆરબીમાં સિલેક્ટ થયો હતો અને ૨૦૧૮ માં ફોર્મ ભર્યું. અત્યારે સીઆઈએસએફમાં સિલેક્શન થયું છે. સવારે ચાર વાગ્યે ઊઠીને રનિંગ કર્યા બાદ સવારે ૭ થી સાંજે ૩ વાગ્યાની ડ્યુટી કરતો હતો. ડ્યુટી બાદ ફરીથી પાંચ વાગ્યે રનીંગ કરવા જતો હતો અને ત્યાર પછી હું અભ્યાસ કરતો હતો. મને મારી મહેનતનું ફળ મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here