સુરતના હીરા અને કાપડ માર્કેટમાં કોરોના બ્લાસ્ટ, ૭ દિવસમાં ૧૮૨ લોકો પોઝિટિવ

0
24
Share
Share

સુરત,તા.૨૮

અનલોકના તબક્કામાં સુરતમાં ઉદ્યોગ-ધંધા સહિત હીરા અને કાપડ માર્કેટ ધમધમતાં થયા છે. પણ હવે સુરતના માર્કેટ કોરોનાનાં સુપર સ્પ્રેડર બની ગયા હોય તેવાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના માર્કેટમાં કોરોનાનું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. હીરા અને કાપડ માર્કેટમાં છેલ્લા ૭ દિવસમાં ૧૮૨ લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સુરતના હીરા અને કાપડ માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં મનપા દ્વારા આક્રમક ટેસ્ટિંગની નીતિ હાથ ધરાઈ હતી. જેમાં મનપાની ૧૦ ટીમ દ્વારા ૮૦૦૪ લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ આક્રમક ટેસ્ટિંગમાં ૭ દિવસમાં ૧૮૨ લોકો પોઝિટિવ આવ્યા હતા.

હીરા બજારમાં ૫૩૩માંથી ૫૮ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. સુરતના માર્કેટમાં કોરોનાએ માથું ઉચકતાં તંત્રની સાથે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. અને માર્કેટ ફરીથી બંધ થવાનો ભય વેપારીઓને સતાવી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અડીખમ છે. કોરોનાને હરાવી ફરી સેવામાં ડોક્ટર લાગી ગયા છે. ૧૨૫ ડૉક્ટર, ૮૮ નર્સિંગ સ્ટાફ કોરોનાને માત આપી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ફરીથી સેવામાં જોડાયા છે. જો કે હજુ પણ સુરતમાં હાલ ૧૦ ડોક્ટર, ૨ નર્સ સારવાર હેઠળ છે.

અત્યાર સુધી સુરતમાં ૨ નર્સિંગ સ્ટાફના કોરોનાથી મોત પણ નિપજ્યા છે. સુરત શહેરમાં ૧૬૦ અને જિલ્લામાં ૧૦૯ સાથે રવિવારે કોરોનાના વધુ ૨૬૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૮૨૫૮ થઈ ગઈ છે. રવિવારે શહેરમાં વધુ બે પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૯૧૪ થયો છે. રવિવારે શહેરમાંથી ૧૮૩ અને જિલ્લામાંથી ૧૨૨ કોરોના પોઝિટિવ દર્દી મળી ૩૦૫ દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here