સુરત,તા.૩૦
સુરતના વડોદગામ ખાતે રહેતા ટેક્ષ કન્સલટન્સના ક્રેડીટ કાર્ડના ડેટા ચોરી કરી ભેજાબાજે માત્રે અડધા કલાકમાં જ અલગ અલગ ૨૩ જેટલા ટ્રાન્જેકશન કર્યા હતા. જેમાં કુલ રૂપિયા ૨.૩૦ લાખ ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. વડોદગામ પાયોનિયર ડ્રીમ્સમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ વિષ્ણુભાઈ બાલકુષ્ણ રૂમાલવાલા (ઉ.વ.૨૨) એચ.ડી.એફ.સી બેંકનો ક્રેડીટ કાર્ડ ધરાવે છે અને તેની લિમીટ રૂપિયા ૩ લાખની છે.
ગત ૧ નવેમ્બરના રોજ મોડી રાત્રે સવાત્રણથી પોણા ચાર વાગ્યાના સમયગાળામાં કોઈ ભેજાબાજે વિષ્ણુભાઈના ક્રેડીટ કાર્ડના ડેટા ચોરી કરી કે અન્ય રીતે તેની માહિતી મેળવી ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ ૨૩ જેટલા ટ્રાન્જકેશન કરી કુલ રૂપીયા ૨.૩૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. દરેક ટ્રાન્જેકશન રૂપિયા ૧૦ હજારનું થયું હતું અને આ તમામ ટ્રાન્જેકશન એમેઝોન સેલેર સર્વિસીસ મુંબઈ ટ્રાન્સફર થયા હતા. વહેલી સવારે મોબાઈલમાં આવેલા આ મેસેજ જાઈને વિષ્ણુભાઈ ચોંકી ઉઠ્યા હતા. વિષ્ણુભાઈએ કોઈ ટ્રાન્જેકશન કર્યું ન હોવા છતાંયે તેની જાણ બહાર બારોબાર ટ્રાન્જેકશન થતા નેટ બેંકિંગ સુવિધા દ્વારા ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવી દીધો હતો.
કોઈ ભેજાબાજે તેમના ક્રેડીટ કાર્ડના ડેટાની ચોરી કરી કે અન્ય કોઈ માધ્યમથી માહિતી મેળવી કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂપિયા ૨.૩૦ લાખ અન્ય ખાતા કે વોલેટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે વિષ્ણુભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.