સુપ્રીમે અર્નબ ગોસ્વામીની જામીન અરજી મંજૂર કરી

0
14
Share
Share

વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારનો ઊધડો લેતા સરકાર વ્યક્તિને ટાર્ગેટ કરે તો કોર્ટ સુરક્ષા કરશે એવી ટકોર કરી

નવી દિલ્હી, તા.૧૧

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી નકારવાના આદેશને અર્નબે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અર્નબના જામીન મંજુર કરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની ઝાટકણી કાઢી હતી. આજે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.

સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી હતી. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું હતું કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારની બરાબરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આપણું લોકતંભ અસાધારણ રીતે લચીલું છે. મહારાષ્ટ્ર સરકારે આ બધુ નજર અંદાજ કરવું જોઈએ.  જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો તે ન્યાયનું અપમાન છે.  શું મહારાષ્ટ્ર સરકારે આ મામલે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે? આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા સામે લડવું પડે છે. આ પ્રકારના મામલે જો બંધારણીય કોર્ટ હસ્તક્ષેપ ન કરે તો આપણે વિનાશના રસ્તે જઈશું.  અમે આ કેસમાં સુનાવણી એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હાઈકોર્ટથી ન તો જામીન મળ્યા છે અને ન તેઓ વ્યક્તિગત આઝાદીને સુરક્ષા આપી રહ્યા છે.

મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેમની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ૪ નવેમ્બરે અર્નબની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ૧૮ નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે રાત સુધીમાં તેમને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. અર્નબને જામીન મળી જતા હવે તેઓ દિવાળી ઘરે જ મનાવી શકશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here