વેરાવળ, તા.૨૦
સુત્રાપાડા તાલુકાના થરેલી ગામે રહેતા બન્ને પુત્રીઓ વાડીએથી ઘરે પરત આવતી વેળાએ ટોરસે સાયકલ હડફેટે લેતા બાળકીને ઈજા થતા ઘરે પહોંચે તે પહેલા કાળ આંબી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરડી ગામે રહેતા મનસુખભાઈ એભાભાઈ ચાવડાની પુત્રીઓ આરતી અને નીધી વાડીએથી સાયકલ પર ઘરે જતી હતી ત્યારે સીઘ્ધી સિમેન્ટની ફેકટરી પાસે જી.જે.૧૧ ઝેડ ૯૪૦૫ નંબરના કાળરૂપી ટ્રેલર ચાલકે બન્ને બહેનોને હડફેટે લેતા બંને ગંભીર રીતે ઘવાતા નીધી (ઉ.વ.૮)નું ઘટનાસ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે મોટી બહેન આરતીને સારવાર અર્થે દાખલ કરી હતી. નીધીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મનસુખભાઈ ચાવડાની ફરિયાદ પરથી નાસી જનાર ટ્રેલર ચાલકના વિરુઘ્ધ ગુન્હો નોંધી નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.