બંને પક્ષોના સામસામે ગેરવર્તણૂકના આક્ષેપ, મંગળસૂત્ર ખોવાયા અને ચશ્મા પડી ગયાની અધ્યાપિકાની ફરિયાદ
રાજકોટ, તા. ૨૩
રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહાથની જામી પડી હતી. જેમા ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કિસ્સામા લેડી પીએસઆઈ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષેપો કર્યા છે. ત્યારે આ કિસ્સામાં ઉચ્ચ પોલીસ અમલદારોએ તટસ્થતાથી ઘટનાના મૂળ સુધી જવાની માંગણી થઈ છે.
રીંગ રોડ પર મહિલા પોલીસ મથકમા ફરજ બજાવતા મહિલા પીએસઆઈ જલવાણી સહિતના સ્ટાફે માસ્ક અને સીટ બેલ્ટ વગર નીકળેલી મહિલા કાર ચાલકને અટકાવતા કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પીછો કરી તેને બહુમાળી ભવન પાસે આંતરી લેતા કાર ચાલક મહિલાએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનું કહી તમે બુટલેગર સહિતના ગુંડાઓને પકડી બતાવો કહી હંગામો મચાવી સરાજાહેર ફડાકા ઝિંકી દેતા લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવનો મામલો પ્રહલાદ નગર પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલક યુવતીની માતાની પુછતાછ કરતા તે રાજકોટ કાલાવડ રોડ પર રહેતા ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાની હોવાનું અને હાલ ધર્મેન્દ્ર કોલેજમા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનું અને હોસ્પિટલના કામે જવુ હોય ઉતાવળ હોવાથી કાર હંકારી હોવાનું રટણ કરતા બનાવને પગલે મહિલા પોલીસે દંડ લઈ લીધો હોય હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનું પીઆઈ એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતી વિષય ભણાવતા વર્ગ-૨ના અધિકારી ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાનીએ જણાવ્યું કે મારી પૂત્રીને ટ્રાફિક પોલીસે રોકતા તે ઉતાવળમા હોસ્પિટલે જતી હોઈ રોકાઈ ન હતી. આટલી વાતમા તેનો પીછો કરી બાદમા પોલીસે અમાનવીય વર્તન કરતા પૂત્રીએ મને બોલાવી હતી. જયા મારી પૂત્રી સાથે પોલીસના બળજબરીભર્યા વર્તન સામે મે વાંધો ઉઠાવેલો, જેનાથી મહિલા પીએસઆઈ ઉશ્કેરાયા અને મારી પૂત્રીને માર મારવાની ચેષ્ટા થતા ઝપાઝપી થઈ હતી. ‘કોઈ મારી પુત્રીને મારે તો હું કેમ જોઈ શકું? ઝપાઝપીમા મારૂ મંગળસુત્ર ખોવાઈ ગયું, ચશ્મા પડી ગયા -અમે સ્તબ્ધ બની ગયા છીએ.