સીએમ અને ડે.સીએમ દ્વારા રાજકોટ સિવિલની મુલાકાત

0
19
Share
Share

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની રાજ્ય સરકારની નેમઃમુખ્યમંત્રી

કોરોનાની વધતી સંખ્યા વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ તબીબોને ટકોર કરી

રાજકોટ,તા.૦૩

ગુજરાતમાં કોરોનાની ગતિ વધી રહી છે અને રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં બુધવારના ૧૩૦૦થી વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો ૧ લાખ પહોંચવા પર છે. કોરોનાની વધતી સંખ્યા વચ્ચે હવે સીએમ વિજય રૂપાણીએ તબીબોને ટકોર કરી છે. રાજકોટમાં વધતા કોરોના કેસ અને મૃત્યુઆંકને લઈને મુખ્યમંત્રી સતત ચિંતામાં છે. આજે ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટ કોવિડ ૧૯ હોસ્પિટલના કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો. કોવિડ ૧૯ હોસ્પિટલમાં ૭ બાળકો સારવાર હેઠળ છે અને ૧ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.

સાથોસાથ રૂપાણીએ ટકોર પણ કરી છે કે, આઈસીયુમાં દિવસમાં ઓછામાં ઓછી ૨ વખત સિનિયર તબીબોએ મુલાકાત લેવી. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે, આઈસીયુમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને ઘરે જવા જોઈએ. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી અને નિયત કરતા વધુ ચાર્જ વસુલાતો હોવાની ફરિયાદો મળી હતી, જેને લઈને કોવિડ ૧૯ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આવી કોઈ પણ ફરિયાદ હોય તો લોકોને કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી હતી. સાથે જ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પ્રોબ્લેમ હોવાની રજૂઆતો મળી છે, પરંતુ ૧૧ હજાર લીટર ઓક્સિજનની સુવિધા છે

અને તમામ માળ સુધી ઓક્સિજનની લાઈન છે વધુ જરૂર પડે તો ૫૦ હજાર લીટર સુધીની ઓક્સિજન ટેન્કની સુવિધા ઉભી કરવા તંત્ર સક્ષમ હોવાનો દાવો કર્યો હતો. સીએમ રૂપાણી સાથે આ વર્ચ્યુઅલ મુલાકાતમાં જયંતિ રવિ સહિતના અધિકારી પણ જોડાયા હતા. સીએમ રૂપાણીએ તબીબોની મુલાકાતમાં એ વાત પર ભાર આપ્યો કે કોરોનાગ્રસ્ત વધારેમાં વધારે દર્દીઓ સાજા થવા જોઇએ અને સીનિયર ડૉક્ટરોએ રોજની ઓછામાં ઓછી ૨ આઈસીયુ મુલાકાત લેવી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત કુલ ૮૦૦૫૪ નાગરીકો સાજા થઈ ગયા છે. ૩૦૪૮ના અવસાન થયા છે. જ્યારે બુધવારના છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૯૪૮ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૮૫૪ સ્ટેબલ છે.

કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં અપાતી સારવાર સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનપટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીવીલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઈ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની રાત-દિવસ જોયા વગર ખડે પગે રહી સારવાર કરી રહેલા ડોક્ટરો તથા નર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે સરકારની નેમ છે, આ માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલા આ પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૪ની સુવિધા સાથે સંજીવની રથ દ્વારા ઘરે રહી સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈને તેની વિનામૂલ્યે તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં જાનની પરવા કર્યા વગર દિવસ-રાત લોકોની સેવા કરી રહેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો અને આરોગ્ય કર્મીઓને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવી આઈ.સી.યુ.માં રહેલા દર્દીઓની દિવસમાં બે વખત સીનીયર ડોક્ટરો દ્વારા વીઝીટ કરવા જણાવ્યું હતું. તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની જવાબદારી સરકાર સંનિષ્ઠતા સાથે વહન કરી રહી છે, તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત કરાવતા ડોક્ટર સંજય કાપડીયાએ હોસ્પિટલમાં ઉપસ્થિત સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ વગેરેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમને અપાતી સારવાર બાબતની વિસ્તૃત વિગતો આપી હતી. આ તકે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here