સીએની ફાઇનલ પરીક્ષામાં સુરતનાં ૬ વિદ્યાર્થીઓનો ડંકો

0
33
Share
Share

સુરત,તા.૨
ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર સુરત હવે શિક્ષણ ક્ષેત્રે પણ જાણીતું થયું છે, ત્યારે ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં મુદિત અગ્રવાલે દેશમાં બીજો ક્રમ મેળવી સુરત સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. મુદિતે બિઝનેસ કરવાની અને એમબીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો ૨૨ વર્ષીય મુદિત પ્રદિપ અગ્રવાલ પરિવાર સાથે રહે છે. પિતા કાપડના વેપારી છે.
ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએની પરિક્ષા લેવાઈ હતી. જેમાં ૮૦૦માંથી ૫૮૯ માર્ક્સ સાથે મુદિતે દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. પરીક્ષા પહેલા રોજ ૬-૭ કલાકનો અભ્યાસ કરતો હતો. મુદિતે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન નવેમ્બરમાં પરીક્ષા હોવાના કારણે દરરોજ ૧૨-૧૩ કલાકનો અભ્યાસ કર્યો હતો. સીપીએસના ક્લાસના ટીચર રવિના માર્ગદર્શન સાથે અભ્યાસ કર્યો હતો. મુદિતે એમબીએની સાથે બિઝનેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સુરતના કુલ ૬ વિદ્યાર્થીઓને ટોપ ૫૦માં સ્થાન મળ્યું છે. મુદિત ઉપરાંત વર્ષીલ દેસાઈએ ૧૭મો, ચંદ્રશેખર પંસારીનો ૩૧મો ક્રમ જ્યારે વિનય તાતડે દેશમાં ૪૩મો ક્રમ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપનાર રવિ છાવછરીયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશભરમાં ગર્વ લેવાનું કામ સુરતે કર્યું છે. અમારા ક્લાસના ચાર વિદ્યાર્થીઓ ટોપ ૫૦માં આવ્યા છે, જ્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભરપૂર મહેનત કરી છે. સતત ઓનલાઈન શિક્ષણ મેળવ્યું છે, અને એ ભ્રમણા પણ તોડી છે કે ઓનલાઈન અભ્યાસ કરીને પણ સારા માર્ક્સ આવી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here