સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા રાજ્યમાં ૪,૫૦૦ વોલેન્ટિયર્સની નિમણૂંક કરી

0
42
Share
Share

અમદાવાદ,તા.૨૧

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસે હવે લોકોની મદદ મેળવી છે. સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ રોકવા માટે ૪૫૦૦ વોલેન્ટિયર્સની નિમણૂંક કરી છે. આ વોલેન્ટિયર્સ રાજ્યના નાના શહેરોમા નાગરિકોમાં ઈ-ચિટિંગના ગુના સામે જનજાગૃતિ કેળવવા ઉપરાંત ગુનાના ઉકેલ માટે કાર્યવાહી કરશે. સાયબર ક્રાઈમનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ૧૩ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયાં પછી બીજું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ યુવતીઓ, મહિલાઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે.

લિન્કો મોકલીને, ફેસબૂક પર દોસ્તી કેળવીને કે અન્ય કોઈ રીતે પણ બેન્કની ડીટેઈલ્સ મેળવી લઈને પ્રજાજનોના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. તો, વોટ્‌સ-એપ, ફેસબૂક કે અન્ય સોશિયલ મિડિયાના માધ્યમથી યુવતીઓ સાથે સંબંધો કેળવવા કે બદનામ કરવાની ગુનાખોરી પણ વકરી રહી છે. એક સમય હતો કે આ ગુનાખોરી ગુજરાતના શહેરો પૂરતી સીમિત હતી. હવે, ઈ-ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ વધતાં તાલુકા મથકો સુધી સાયબર ક્રાઈમ વિસ્તર્યું છે. સાયબર ક્રાઈમમાં સતત ઉછાળો આવતા ગુજરાત સરકારે સીઆઈડી ક્રાઈમના સાયબર સેલમાં રાજ્યવ્યાપી કન્ટ્રોલ રુમ કાર્યરત કર્યો છે.

આ કન્ટ્રોલ રુમના તાબામાં રાજ્યના ૧૩ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. સાયબર ક્રાઈમ બને તે પછી ગુનો નોંધીને આરોપી સુધી પહોંચવાનું આસાન હોતું નથી. આ સંજોગોમાં સાયબર ક્રાઈમથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે જરુરી છે. રાજ્યના નાના શહેરોમાં જનજાગૃતિ કેળવવા ઉપરાત સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે હવે સીઆઈડીના સાયબર સેલએ ૪૫૦૦ વોલેન્ટિયર્સની નિમણૂંક કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here