ગાજીપુર બોર્ડર ઉપર ખેડૂતોની સંખ્યામાં વધારો, ૨૯થી ૩૧મી જાન્યુઆરીની રાત્રે ૧૧ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે
નવી દિલ્હી, તા. ૩૦
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનથી પ્રભાવિત રાજધાની દિલ્હીની સિંધુ, ગાજીપુર અને ટીકરી બોર્ડર સહિત આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાના સરકારે આદેશ આપ્યા હતા. અહીં ૨૯ જાન્યુઆરી રાત્રે ૧૧ વાગ્યાથી ૩૧ જાન્યુઆરી રાત્રે ૧૧ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
સરકારના આદેશને લઇને એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે દિલ્હીની ત્રણ સરહદો સિવાય તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે, આ પહેલા ૨૬ જાન્યુઆરીએ પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે સરકારે તમામ ખાનગી અને સરકારી ટેલિકોમ કંપનીઓને આદેશનું પાલન કરવા સૂચના આપી હતી. સરકારે આ નિર્ણય ખેડૂત આંદોલન દરમિયાન હિંસાને લીધે પ્રભાવિત શાંતિ, જાહેર સુવિધાઓ અને કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે લીધો હોવાનું માનવામાં આવે છે.
આ સિવાય સરકારે ખેડૂત આંદોલનને લીધે નેશનલ હાઇવે ૨૪ને પણ બંધ કરી દીધો હતો. કારણ કે ગાજીપુર બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતની અપીલ કર્યા પછી ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર આંદોલનમાં જોડાવા પહોંચ્યા હતા. જોકે યુપી પોલીસે હાઇવે ખાલી કરવા માટે આંદોલનકારી ખેડૂતોને અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ ખેડૂતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અહીં મોટા પ્રમાણમાં સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવાની સ્થિતિ ઊભી થઈ છે.