સંતો-મહંતોની હાજરીમાં ખાતમુહૂર્તવિધી સંપન્ન
સાવરકુંડલા, તા.૨૭
આજથી ૪૪ વર્ષ પહેલાં સાવરકુંડલામાં બજરંગદાસ ગૌસેવા સમિતિ પારેવાઘર દ્વારા પ. પૂ. સંતશ્રી બજરંગદાસ બાપાની હયાતીમાં અને એમનાં ં આશીર્વાદથી બાપાનો સંદેશો સમાજ કલ્યાણ, મૂંગી અને રખડતી ગાયમાતાની સેવા ચાકરી કરવા માટે સ્વ.હરિભાઈ વેલજીભાઈ ટાંક અને સર્વ ભક્તમંડળ દ્વારા ગૌસેવાનાં શુભ કાર્યની શરુઆત થઈ હતી. અને સ્વ. કિશોરભાઈ હરિયાણી અને બાપાનાં ભક્તજનોની આગેવાનીમાં હનુમાન ચાલીસા મંડળની શરુઆત થઈ હતી.
હાલ આ સંસ્થાની નેમ પ. પૂ. સંત બજરંગદાસ બાપાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો છે અને આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં બજરંગદાસ ગૌસેવા સમિતિ. પારેવાઘર સા. કુ. નાં તુષારભાઈ નથવાણીની આગેવાની હેઠળ અશોકભાઈ ઉનડકટ, મહેન્દ્રભાઈ ટાંક, પ્રકાશભાઈ બનજારા, હરેશભાઈ મશરુ, કાળુભાઈ સગર અને સુરેશભાઈ રાયચા અને સમગ્ર ભક્તજનો આ મંદિર નિર્માણ માટે કૃતનિશ્ચયી છે.
લગભગ ૩૫૦૦ સ્કવેર ફીટમાં પ. પૂ. સંત બજરંગદાસ બાપાનું બગદાણા પછીનાં ક્રમનું એક ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું. આ ભવ્ય મંદિરનાં નિર્માણ નિમિત્તે તા. ૨૫-૧૨-૨૦૨૦ માગશર સુદ ૧૧ નાં સવારે ૯-૩૦ થી ૧૧ નાં સમયગાળામાં યોજાયેલા ખાતમુહૂર્ત ભૂમિપૂજન અને લક્ષ્મીપૂજનનાં પ્રસંગે પ. પૂ. જ્યોતિમૈયા સનાતન આશ્રમ બાઢડા, પ. પૂ. ઉષામૈયા શિવદરબાર આશ્રમ કાનાતળાવ, પ. પૂ. સંત બંસીદાસબાપા ગોદડિયા આશ્રમ બાઢડા, પ. પૂ. સંત રમુદાદા જલારામ મંદિર સા. કુ., પ. પૂ. સંત નારાયણદાસ સાહેબ કબીર ટેકરી સા. કુ., પ. પૂ. કરશનદાસ બાપુ કુંડલપુર હનુમાનજી મંદિર સા. કુ.,પ. પૂ. હસુબાપુ કાનજીબાપુની જગ્યા સા. કુ. તથા પ. પૂ. ધનાબાપુ અને પ. પૂ. રસિકભાઈ નથવાણી મોરઝર માતાજીનાં ભુવાની ઉપસ્થિતિમાં આ મંદિર નિર્માણનાં ખાતમુહૂર્તની શુભ વિધી સંપન્ન થઈ હતી.