સાવધાની અનિવાર્ય

0
24
Share
Share

એક તરફ કોરોના વાયરસના સંયોગોની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના નાગરિકોના ટોળેટોળા ઉત્સવોના આનંદમાં બહાર છલકાવા લાગ્યા છે.જાણે કે કોરોના જેવું કંઈ છે જ નહિ. દેશના ટોચના શહેરોમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ દેશના કેટલાક ગામડાઓ અને અમુક શહેરોના ચોક્કસ વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને એનું પાલન કરવા લાગ્યા છે. કોઈ પણ રીતે કોરોનાને અંકુશમાં લેવા માટે જેઓ સભાન છે. કેરળના ઘણા ગ્રામવિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રયોગ સફળ નીવડયો છે. કારણ કે કેરળના ગામડાઓમાં અનેક સરપંચો તો ડોક્ટર કે એન્જિનિયર છે અને છતાં પોતાના બાપદાદાની વારસાગત ખેતીવાડી સંભાળે છે. આમ પણ કેરળમાં અભણ માણસ શોધવો બહુ મુશ્કેલ છે. ભારતમાં કોરોનાનો પ્રવેશ કેરળથી થયો તો પણ વારંવાર કેરળે કોરોનાના કેસનો આંકડો શૂન્ય પર લાવી દીધેલો છે. કેરળના અનુભવ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન બહુ કીમિયાગર ઉપાય છે આ એક નવો પ્રવાહ છે જે દર્શાવે છે કે લોકો હવે પોતાની જાતને ઘરમાં વધુ સલામત માને છે. પરંતુ આવો સમુદાય બધો અને બધે નથી. કારણ કે લોકડાઉન એક લક્ઝુરિયસ જીવનશૈલી છે. એ કંઈ આમજનને પોસાય નહિ. બેઠાંબેઠાં જીવન શી રીતે નભે ? હશે એકાદ ટકા લોકો કે જેઓ વરસ બે વરસ રોટલો રળે નહિ તો ચાલે. અને રોજનું લાવીને રોજ ખાનારા અને મહિને લાવીને રોજ ખાનારા વચ્ચે અંતર બહુ ઓછું છે. ગુજરાતમાં તો સાતમ-આઠમની રજાઓમાં હરવા-ફરવાના તમામ સ્થળોએ ધૂમ ગિરદી જોવા મળી હતી. જે મંદિરો બંધ રાખવામાં આવ્યા એના પટાંગણમાં પણ કેટલાક સ્થાનોએ તો લોકોના ટોળાઓ જોવા મળ્યા. કોરોના એક રાતોરાત આવી પડેલી આફત છે. લોકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેની સાથે કામ પાડી રહ્યા છે. પરંતુ વિવિધ પ્રયાસો કર્યા હોવા છતાં સરકાર કોરોના સંબંધિત શિસ્તના પાઠ પ્રજાને ભણાવી શકી નથી અને એ જ કારણ છે કે સંક્રમણ અને મૃત્યુના આંકડાઓ સતત ઊંચે જઈ રહ્યા છે. લોકડાઉન ભાગ એકના પ્રથમ ચરણમાં સોટી વાગી ચમ ચમ પણ વિદ્યા તો કંઈ છમછમ કરતી આવી નહિ. કેન્દ્રના આરોગ્ય સચિવે ગયા સપ્તાહે હર્ડ ઈમ્યુનિટીની વાત કરી હતી. જે ભારત જેવા દેશમાં અસંભવ છે. આરોગ્ય સચિવની એ ધારણાની સર્વત્ર ટીકા થઈ હતી.જ્યાં સુધી પ્રજાને સાર્વત્રિક રીતે લાભ કરનારી વેક્સિનનો સુયોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હર્ડ ઈમ્યુનિટી શક્ય નથી. ભારત જેવો વિરાટ અને અતિશય જનસંખ્યા ધરાવતો દેશ હર્ડ ઈમ્યુનિટીની પ્રતિક્ષા કરી શકે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નિરીક્ષણ પ્રમાણે હર્ડ ઈમ્યુનિટીની શરૂઆત પણ દુનિયાના કેટલાક દેશોમાં ત્રણ વર્ષ પછી થશે.ઉપરાંત ભારતીય પ્રજાનું સરેરાશ સ્વાસ્થ્ય પણ એવું નથી કે કોરોના વાયરસનો પ્રતિકાર કરવાની શક્તિ આપોઆપ જ ભારતીય માનવ શરીરોમાં વિકસી જાય.આમ આપણી પાસે સૌથી સારો વિકલ્પ એ છે કે કોરોના પ્રત્યે સાવધાન રહીએ કારણકે તે કોઇ ગરીબ કે અમીર, નેતા કે પ્રજાની શેહ રાખતો નથી તેની ઝપટમાં આવનારા લાખો લોકો સ્વર્ગે સિધાવી ગયા છે અને આગળ તે કેટલાનો ભોગ લેશે તે કહી શકાય તેમ નથી ત્યારે સાવધાની રાખવી એ જ સૌથી સારો વિકલ્પ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here