અમદાવાદ,તા.૩૦
સાળી મંગેતર સાથે ફરવા ગઈ તે મુદ્દે પતિએ નારાજગી વ્યક્ત કરતા વિફરેલી પત્નીએ પતિને જાહેરમાં મારમારી બન્ને હાથે બચકાં ભરી લીધા હતા. જ્યારે પત્નીના પરિવારજનોએ જમાઈ અને તેની માતા પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં પતિએ પત્ની સહિત ૪ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાસણાના કેશવાણીનગરમાં રહેતા દીપક નાથા મારવાડી (ઉં,૨૦)એ પત્ની જ્યોતિબેન, ફોઈ સાસુ રૂપાબેન ખીમાજી મારવાડી, કાકી સાસુ ચંપાબહેન ગિરીશભાઈ મારવાડી અને ફુવા સસરા અનીલભાઈ મારવાડી વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, દીપકની સાળી સીતાની સગાઈ જીતુ મારવાડી થઈ હતી.
સીતા તેના મંગેતર જોડે આખો દિવસ ફોન પર વાતચીત કરતી અને ફરવા જતી હતી. આ મુદ્દે દીપકે ગુરુવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે તેની પત્ની જ્યોતીને જણાવ્યું કે, સીતા બહાર ફરવા જાય તે યોગ્ય નથી. પતિની વાત સાંભળી ભડકેલી પત્ની જ્યોતીએ પતિ સાથે ઝઘડો તકરાર કરી અને તેના ફોઈના ઘરે જતી રહી હતી. શુક્રવારે સવારે ૧૧ વાગ્યે દીપક અને તેની માતા કાનુબેન ઘરે હાજર હતા. તે સમયે જ્યોતી તેના ફોઈ, કાકી અને ફુવા સાથે આવી હતી. આ ચારે જણાએ દીપક અને તેની માતા સાથે તકરાર કરી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
દીપકે સાસરિયાને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલી પત્ની જ્યોતી પતિને મારમારવા લાગી અને બન્ને હાથે બચકાં ભરી લીધા હતા. જ્યારે જ્યોતીના ફોઈ અને કાકીએ કાનૂબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. ફુવા સસરા અનિલભાઈએ પણ દીપકને મારમાર્યો હતો. સ્થાનિકોએ વચ્ચે પડી માતા-પુત્રને બચાવ્યા હતા. બન્નેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં વાસણા પોલીસે દીપક મારવાડીની ફરિયાદ આધારે તેની પત્ની સહિત ૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.