સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં ભયંકર આગ, ફાયરની ૩૬ ગાડીઓ મેદાને

0
22
Share
Share

અમદાવાદ,તા.૨૪

સાણંદ જીઆઈડીસી ખાતે આવેલી તેમજ સેનિટરી પ્રોડક્ટના ઉત્પાદનમાં મોટું નામ ધરાવતી યુનિચાર્મ કંપનીમાં સવારથી લાગેલી આગ હજુ સુધી કાબૂમાં નથી આવી. યુનિચાર્મ ઇન્ડિયા એ જાપાનની યુનિચાર્મ કોર્પોરેશનનો ભારતીય હાથ છે. બપોરે બે વાગ્યા આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ફાયરની ૩૬ ગાડી પાણીનો મારો ચલાવી રહી હોવા છતાં આગ પર કાબૂ નથી મેળવી શકાયો. બપોર સુધી આશરે ૨૦ લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આગને બૂઝાવવા માટે અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધોળકાથી ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી છે. ભારતે જાપાની કંપની સાથે એમઓયુ કર્યાં હતાં તે અંતર્ગત કંપનીએ અહીં પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ કંપની અનેક કંપનીને માલ પૂરો પાડતી હોવાનું માલુમ પડ્યું છે. યુનિચાર્મ કંપનીમાં વહેલી સવારે શિફ્ટ શરૂ થવાની હતી ત્યારે આગ લાગી હતી.

આ કંપની સેનિટરી નેપકીન અને ડાયપર બનાવતી હોવાનું માલુમ પડ્યું છે. જેના કારણે આગ વધારે પ્રસરી હતી. આ ઉપરાંત બપોરની આસપાસ પવને પણ થોડી ઝડપ પકડી લેતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પવન ફૂંકાતા આખી કંપનીમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં આગ એટલી વીકરાળ છે કે સાણંદથી ૧૦ કિલોમીટર દૂરના અંતરે આવેલા ઘુમા અને બોપલથી પણ આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ મામલે જીઆઇડીસી પ્રમુખ ગણપતભાઈ સેંધવાએ જણાવ્યું હતું કે, “અહીં ફાયર સ્ટેશન બનાવવાની ચારેક વર્ષથી માંગ કરવામાં આવી છે પરંતુ પૂર્ણ નથી થઈ. આ કંપનીમાં આગ લાગી ત્યારે શિફ્ટ ચાલુ થવાની હતી, જેનાથી જાનહાની નથી થઈ. આ એક મલ્ટીનેશનલ જાપાનની કંપની છે જે ડાયપર બનાવવાનું કામ કરે છે.

લૉકડાઉન દરમિયાન ખાસ મંજૂરી સાથે આ કંપની ચાલુ રહી હતી. એવી માહિતી મળી છે કે આ કંપની જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોવાથી લૉકડાઉન વખતે કંપનીને મંજૂરી સાથે ચાલુ રાખવા દેવામાં આવી હતી. આગ બૂઝાવવા માટે આશરે ફાયરના ૧૩૦ જેટલા કર્મીઓ કામે લાગ્યા છે. આ ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે પોલીસના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે. જે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી છે તે ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલી છે. આગને કારણે કંપનીની આખી મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીનો પ્લાન્ટ જે જગ્યા પર આવેલો છે તે જગ્યા ખૂબ વિશાળ છે. જોકે, સદનસિબે આસપાસ અન્ય કોઈ કંપની આવેલી ન હોવાથી અન્ય યુનિટોમાં આગ પ્રસરે તેવી કોઈ શક્યતા નથી રહેલી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ ઉપરાંત આસપાસના પાણીના પ્લાન્ટમાંથી પણ પાણીના ટેન્કરોની વ્યવસ્થા કવરામાં આવી હતી. અંદાજ પ્રમાણે આ આગ બુધવારે સાંજ સુધીમાં કાબૂમાં આવે તેવી શક્યતા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here